Mysamachar.in-અમદાવાદ:
સમગ્ર દેશની સાથેસાથે ગુજરાત અને જામનગરમાં પણ લાખો મતદાતાઓ ચિંતાઓ સાથે દોડાદોડી કરી રહ્યા છે. રાજ્યમાં પોણાં બે કરોડ મતદાતાઓ જાણે કે, ગાયબ થઈ ગયા હોય તેમ, ચૂંટણીપંચની આ SIR કામગીરીઓ દરમ્યાન તેમનું મેપિંગ જ ન થયું !રાજ્યમાં ચૂંટણીપંચે જાહેર કરેલું કે, BLO ઘરે બેઠાં આ મામલે મતદાતાઓની ‘સેવાઓ’ કરશે, હકીકત એ છે કે, રાજ્યમાં કરોડો લોકોને નોટિસ મોકલાવી, સરકારી કચેરીઓ પર બોલાવવામાં આવ્યા છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં પણ વિપક્ષ આ મુદ્દે ‘હથિયાર’ સજાવી ચૂક્યા છે અને આગામી સમયમાં તંત્ર પાસે જવાબ પણ માંગશે. ચૂંટણીપંચના અધિકારીઓને લીગલ પ્રોસેસ અંતર્ગત નોટિસ પણ પાઠવી દેવામાં આવી છે, આગામી સમયમાં આ બાબતે રાજ્યની સાથેસાથે હાલારમાં પણ ‘હલચલ’ મચી જવાના સંકેત સાંપડી રહ્યા છે.
રાજ્યમાં મતદાતાઓના નામો યાદીમાંથી બાદ કરી નાંખવાનો ફોર્મ નંબર 7 નો મુદ્દો પણ ગાજી રહ્યો છે. મેપિંગની પણ માથાકૂટ છે. મતદાતાઓના સ્થળાંતરિત થવાના મામલાઓ અને મતદાતાઓને મૃત દેખાડવાનો ખેલ પણ ચર્ચાઓમાં છે. રાજ્યના કુલ 4.34 કરોડ મતદાતાઓ પૈકી 1.73 કરોડ મતદાતાઓને આવડું મોટું તંત્ર શોધી ન શકે- એ રેકર્ડ પરની હકીકત તમને મગજમાં ઉતરે છે ?! રાજ્યની વડી અદાલતમાં આ બધી બાબતો ધારો કે દાખલ થશે તો, આગામી મહાનગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓની તારીખો પર તેની શું અસરો થશે ? અને, આ SIR કામગીરીઓ મુદ્દે ગામેગામ રાજકીય અને પ્રજાકીય આંદોલનો શરૂ થઈ જશે તો ? કેવી પરિસ્થિતિઓ ઉભી થશે ? સમગ્ર રાજ્યમાં આ બધી બાબતો હાલ ‘હોટકેક’ બની ગઈ છે. વિપક્ષ આક્રમક સ્થિતિઓમાં છે. લોકો એકજૂટ થઈ રહ્યા છે.

























































