Mysamachar.in:જામનગર
સ્થાનિક તંત્ર કેટલાક કીસ્સાઓમાં કેટલી હદે નઘરોણ હોય છે જેનો વધુ એક પુરાવો જામનગર જીલ્લાના ધ્રોલ શહેરમાંથી સામે આવ્યો છે, જ્યાં સફાઈને લઈને વારંવારની રજુઆતો છતાં તંત્રને કોઈ જ અસર ના થતા અંતે સ્થાનિકો પોતાનો પાવર બતાવી દઈ કચરો પોતાની રીતે એકત્ર કર્યા બાદ નગરપાલિકા પટાંગણમાં જ ઠાલવી દઈ અને તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે.
આ અંગે મળતી વિગતો મુજબ ધ્રોલના વોર્ડ નંબર 4માં આવેલ વાણંદ શેરી, હવેલી શેરી વિસ્તારનાં રહીશોએ અવાર નવારની રજુઆતો સામે પાલિકા દ્વારા સફાઇ અને કચરો ન ઉપાડવાની સમસ્યાથી પીડાઇ અંતે શેરીમાંથી કચરાનું ટ્રેકટર ભરી પાલિકા કચેરીનાં ગ્રાઉન્ડમાં કચરો ઠાલવી રોષ વ્યક્ત કર્યો હતો. અરે હદ તો ત્યારે થઇ કહેવાય કે જયારે સ્થાનિકો કચેરીએ વિરોધ દર્શાવવા ગયા ત્યારે પણ પાલિકાનાં જવાબદાર કોઈ પણ અધિકારીઓ કચેરીમાં હાજર જ નહોતા…
ધ્રોલ શહેરના વોર્ડ નં 4 માં આવેલ વાણંદ શેરી તેમજ હવેલી શેરીમાં સફાઇનો અભાવ ઉપરાંત કચરો ઉપાડવા પાલિકાનું વાહન આવતું ન હોય અને કચરાના ગંજ ખડકાઈ જતા હોવાની નગરપાલિકાનાં વિસ્તારનાં કોર્પોરેટરો અને પાલિકા કચેરીએ અવાન નવાર ફરીયાદો કરી હતી. પરંતુ નિંભર તંત્ર દ્વારા કચરો ઉપાડવાની કોઇ કાર્યવાહી કરાવામાં આવી ન હતી. આથી શેરીમાં કચરાનાં ગંજ ખડકાયા હતાં ઠેર ઠેર કચરો ઉડતો હતો. જેને કારણે આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ જવા પામ્યું છે. આથી રહિશોએ અંતે કંટાળી મહિલાઓ સાથે આખી શેરી વાળી તેનું કચરાનું ટ્રેકટર ભરી નગરપાલીકા કચેરીએ લઇ જઇ પાલિકાના ગ્રાઉન્ડમાં કચરો ઠાલવી રોષ વ્યક્ત કર્યો હતો.
-વિપક્ષ નેતાએ પોતાના વિસ્તારમાં સ્વખર્ચે સફાઈ કરવી
ધ્રોલ નગરપાલિકા વિપક્ષ નેતા કલ્પેશ હડીયલે my samachar ને જણાવ્યું કે અમારા વિસ્તાર સહીત સમગ્ર ધ્રોલ શહેરમાં સફાઈને લઈને સ્થાનિક તંત્ર ફેલ છે, એવામાં મારા વિસ્તારના સ્થાનિકોના હિતમાં મેં સ્વખર્ચે સફાઈ કરાવી આપી છે, અને શહેરના તમામ વિસ્તારોમાં સફાઈ નિયમિત થાય તે માટે મેં પણ રજૂઆત કરી છે.