Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
મોડી રાત્રિના અંધકારમાં શેરીઓ અને રસ્તાઓ પર સેંકડો શ્વાન અને હજારો ચોપગાં પશુઓ ગત્ રાત્રે બહુ ઠીંગરાયા. અને આજે સવારે પણ, પશુઓ તથા પ્રાણીઓ અને માણસોના હાજા ગગડી ગયા. સમગ્ર હાલાર ‘વહરી ટાઢ’માં ઠીંગરાઈ ગયું. આ શિયાળામાં પ્રથમ વખત આટલી સખત ઠંડીનો સૌએ અનુભવ કર્યો.
ગત્ રાત્રિના દસ-સાડાદસ બાદ સમગ્ર જામનગર શહેરમાં જાણે કે નેચરલ કર્ફ્યૂ લદાઈ ગયો હોય એમ, શહેરના વિવિધ રસ્તાઓ પર અને રહેણાંક વિસ્તારોમાં બહુ જૂજ અને એકલદોકલ વાહનો તથા લોકો નજરે ચડ્યા. મોટાભાગના લોકોએ વેળાસર ભોજન લઈ લીધું અને રજાઈઓ-ધાબળાઓમાં વીંટળાઈ ગયા.
જો કે, સરકારી તંત્રએ કંઈક જુદી કારીગરી કરી, લઘુતમ તાપમાનનો આંકડો ડબલ ડિજિટમાં દેખાડ્યો ! તેઓ પણ મનમાં સમજતા હશે, આંકડો ઓછો છે, ઠંડી વધુ છે. સૌએ અનુભવ કર્યો કે, જામનગર શહેરમાં ગત્ રાત્રે અને આજે સવારે લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં એટલે કે, 9 ડિગ્રી અથવા એથી પણ ઓછું રહ્યું હોય શકે. આમ છતાં સરકારી આંકડો 12 ડિગ્રી જાહેર કરવામાં આવ્યો !
ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળો સિમલા, મનાલી તથા કુલુ સહિતના શહેરોમાં ગુરૂવારે મોડી રાતે, ગત્ રોજ શુક્રવારે સવારે મોસમની પ્રથમ હિમવર્ષા થઈ. સાથે, આંધી જેવો તીવ્ર પવન પણ ફૂંકાયો. તેની અસરરૂપે સમગ્ર ગુજરાતમાં પણ જોરદાર ટાઢોળુ થઈ ગયું. અમદાવાદ જેવા શહેરોમાં પણ લઘુતમ તાપમાન સડસડાટ પાંચ-છ ડિગ્રી જેટલું ઘટી ગયું.
જામનગર સહિત સમગ્ર હાલારમાં પણ લોકોએ સિઝનની સૌથી વધુ ઠંડીનો અનુભવ કર્યો. ખંભાળિયા રિપોર્ટ અનુસાર, ગત્ સાંજથી જ ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠંડા પવનના સૂસવાટાને કારણે સમગ્ર જનજીવન પ્રભાવિત થયું. વેપારીઓએ દુકાનો વહેલી વધાવી લીધી અને આજે સવારે પણ મોડી ખોલી.
આ ઠંડીમાં પાણી સાથે કામ કરતી મહિલાઓ, સ્કૂલે જતાં ભૂલકાંઓ, અને વૃદ્ધો સહિતના સૌ હાલારીઓ તેમ જ અબોલ પશુ, પ્રાણીઓ અને પક્ષીઓએ પણ ઠંડીનો અહેસાસ કર્યો.

























































