Mysamachar.in-જામનગર:
લોકો સમજે છે કે, ભળતાં કારણોસર સરકારી ઈમારતો ખડકી દેવામાં આવે છે પરંતુ આ કરોડોની ઈમારતોમાં લોકોની સુવિધાઓ બાબતે બધાં જ સત્તાવાળાઓ દુર્લક્ષ સેવતા હોય છે. તંત્રો અને સરકારની આ નીતિરીતિઓ સંબંધે લોકોમાં નારાજગીઓ અને રોષ જોવા મળી રહ્યા છે.
સમગ્ર રાજ્યમાં આરોગ્ય સંબંધિત બાંધકામોની જવાબદારીઓ સરકારે PIU એટલે કે પ્રોજેક્ટ ઈમ્પલિમેન્ટ યુનિટને સોંપી છે. આ વિભાગ કરોડો રૂપિયાના ખર્ચ કરી હોસ્પિટલો અને તબીબી વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ્સ વગેરેનું નિર્માણ કરે છે. પછી આ બધાં બાંધકામોનો જ્યારે લોકો દ્વારા ઉપયોગ કરવાનું શરૂ થાય ત્યારે, લોકોને આ વૈભવી ઈમારતોમાં સેવાઓ અને સુવિધાઓ આપવાની બાબતમાં ઠાગાઠૈયા ચાલતાં રહે છે.
જામનગરની જીજી હોસ્પિટલની નવી ઈમારતમાં દર્દીઓ અને પરિવારજનો-મુલાકાતીઓ માટેની એક લિફ્ટ બંધ છે, જેના બધાં લોક તૂટી ગયા છે. કોન્ટ્રાક્ટર એજન્સી પાંચ પાંચ દિવસથી આ લિફ્ટનું સમારકામ કરી શકી નથી. આથી બીજી લિફ્ટમાં જવા માટે સેંકડો દર્દીઓ અને તેમના પરિવારજનો તથા મુલાકાતીઓ ગિરદીને કારણે ખૂબ જ પરેશાનીઓ સહન કરી રહ્યા છે.
આ ઉપરાંત 9 માળની આ ઇમારતમાં દરેક માળે લોબીમાં દર્દીઓને મળવા આવતાં હજારો મુલાકાતીઓ માટે પુરૂષ સ્ત્રી શૌચાલય બ્લોક બનાવવામાં આવ્યા છે. જ્યાં એવું પણ લખાણ મૂકવામાં આવ્યું છે કે, મહિલા તબીબી સ્ટાફ માટેના શૌચાલય બ્લોક. દરેક માળે આ શૌચાલય બ્લોકને તાળાં છે ! દરરોજ હજારો મુલાકાતીઓએ વોર્ડમાં દર્દીઓ માટેના શૌચાલય બ્લોકનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, જેને કારણે સેંકડો દર્દીઓને હાલાકીઓ વેઠવી પડી રહી છે.
કરોડો રૂપિયાના ખર્ચથી બનેલી ઈમારતોમાં જો લોકો માટેની સેવાઓ અને સુવિધાઓમાં આવી ખામીઓ સર્જાતી રહે, વહીવટી ક્ષતિઓ દૂર કરવામાં ન આવે તો આ વિશાળ બાંધકામોના ખોખાં- કોના લાભાર્થે નિર્મિત થઈ રહ્યા છે, એવો પ્રશ્ન લોકોમાંથી ઉઠી રહ્યો છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ વૈભવી અને તોતિંગ ઈમારતમાં પાર્કિંગ શા માટે બનાવવામાં આવ્યું નથી ? એ પણ ગંભીર અને સંવેદનશીલ બાબત લેખાવી શકાય.

























































