Mysamachar.in-ગાંધીનગર:
ઘણાં લાંબા સમયથી સમગ્ર ગુજરાતમાં એક જ ચર્ચાઓ હતી કે, રાજ્યમાં સરકારનું સ્વરૂપ ક્યારે બદલાશે ? આખરે દિલ્હીએ, ચૂંટણીઓ પહેલાં, યોગ્ય સમયે ‘મન કી બાત’ ગુજરાત ભાજપાના માધ્યમથી જાહેર કરી દીધી. CM સહિત કુલ 26 સભ્યોનું નવું પ્રધાનમંડળ જાહેર થઈ ગયું. જો કે, આ પ્રોસેસમાં હાલારનું કદ અડધું થઈ ગયું. બે પ્રધાન હતાં, એક જ આપવામાં આવ્યા. સિનિયરોની વિદાય કરવામાં આવી. નવો ચહેરો મતદારો સમક્ષ મૂકવામાં આવ્યો. આજના નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યપ્રધાનની પોસ્ટને ફરી જીવિત કરી અને હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકેને શપથ લેવડાવામાં આવ્યા છે.
આજે પાટનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા પ્રધાનોનો શપથવિધિ સમારોહ યોજાયો રાજ્યપાલ સૌને હોદ્દો અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવી રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ અને સાથી મંત્રીઓ સૌ મૌજૂદ છે. જ્ઞાતિ સમીકરણો અને ભૌગોલિક જગ્યાઓનો અભ્યાસ કરીને સંતુલિત પ્રધાનમંડળ બનાવવાનો પ્રયાસ થયો છે, જો કે તેમાં પસંદગીકારોએ કેટલાંક સમાધાનો પણ સ્વીકારવા પડ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે.
હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર સહિતના ચર્ચિત નેતાઓ અને કેટલાંક વજનદાર નેતાઓને પણ બાકાત રાખી દઈ પસંદગીકારોએ મનનું ધાર્યું કરવાનું મુનાસિબ માન્યું છે. નવા મંત્રીઓએ આગામી ચૂંટણીઓ દરમ્યાન, આ પસંદગીઓ ખરી સાબિત કરવા પુષ્કળ મહેનત કરવી પડશે અને હોમવર્ક માટે ભારે જહેમત ઉઠાવવી પડશે. સરેરાશ મતદારની જો કે એક જ તમન્ના હોય કે, એમનો અવાજ ગાંધીનગર સુધી પહોંચે અને અવાજનો પડઘો પણ પડે.
-હાલારના 2 સહિત 9 મંત્રીઓ પડતાં મૂકાયા, સંગઠનમાં કામે લગાડાશે ?: ચર્ચાઓ..
નવી સરકારમાં જૂની સરકારના સિનિયરો સહિત કુલ નવ મંત્રીઓને ફરીથી માત્ર ધારાસભ્ય તરીકે સંગઠન પર ધ્યાન આપવા જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જેમાં હાલારના બે સિનિયર નેતાઓનો પણ સમાવેશ થાય છે.
આ નવ નેતાઓના નામો: બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, મુળુ બેરા, કુબેર ડીંડોર, ભાનુબેન બાબરીયા, બચુ ખાબડ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિ. આ નેતાઓ પૈકી અમુક નેતાઓએ સરકારની છબિ ખરડાઈ જઈ ખરાબ કરેલી, કેટલાંક શક્તિશાળી પૂરવાર ન થયા અને અમુક ચોક્કસ કસોટીઓમાં પાર ન ઉતર્યા તથા અમુકને જ્ઞાતિ સમીકરણો સેટ કરવા તથા અમુકને પક્ષમાં પરિવર્તન મામલે હટાવાયા હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.