Mysamachar.in-જામનગર”
જામનગર જિલ્લાનો ધ્રોલ-જોડીયા પંથક અને રેતીચોરી- આ બંને વિષયો, સમગ્ર જિલ્લામાં વર્ષોથી ચર્ચાઓના વિષય રહ્યા છે. હાલમાં જોડીયા તાલુકાનો એક મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જતાં આગામી દિવસોમાં નવાજૂનીની શકયતાઓ જોવામાં આવી રહી છે.
જોડીયા પોલીસ સ્ટેશનમાં ગત્ રોજ રાત્રે રણજિતપરના સરપંચ રણછોડભાઈ રાઠોડના પુત્ર રમેશભાઈએ 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદમાં આરોપીઓ તરીકે બાલંભાના નિલેશ માલવીયા, ધ્રોલના રેનિશ પટેલ અને એક અજાણ્યા શખ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ફરિયાદી રમેશભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે કે, 26મી જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યે ગ્રામ પંચાયત કચેરી નજીક જાહેર રસ્તા પર, આ ફરિયાદી તથા અન્ય ગ્રામજનોએ રેતીનું વહન કરતાં વાહનોને રોક્યા અને ધોરણસરની કાર્યવાહીઓની માંગણી કરી. આથી ઉશ્કેરાયેલા 3 ઇસમો પૈકી નિલેશ માલવીયાએ આ ફરિયાદી રમેશભાઈને માથામાં લાકડાનો ધોકો ફટકારી દીધો. આ ઉપરાંત જેન્તીભાઈ રાઠોડ તથા ભૂમિત ગાંગાણીને પણ આરોપીઓએ મૂંઢ માર મારી ઈજાઓ કરી. નિલેશ માલવીયાએ ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી, રેનિશ પટેલએ ગાળાગાળી કરી અને ધમકી આપી. અને આ પ્રકારની સટાસટી બાદ આરોપીઓ ડમ્પર નંબર GJ-13-W-2111 લઈ ભાગી ગયા. આ વાહનમાં રેતી ભરેલી હતી.
-આ આખો રેતીમામલો છે શું ?..
જામનગર ખાણખનિજ વિભાગમાંથી પ્રાપ્ત થતી માહિતીઓ અનુસાર, રણજિતપર ગામ નજીક જૂની આજી નદી સ્મશાન પાસેના વિસ્તારોમાં રેતીની 3 લીઝ છે. જે પૈકી 2 લીઝ કાર્યરત નથી. 3 પૈકી એક લીઝ એવી છે કે, તેમાં ગેરકાયદેસર ખનિજખનન થાય છે એવી વાતો વચ્ચે, તંત્રના જણાવ્યા અનુસાર, આ લીઝની જમીનમાપણી DLR કચેરી હસ્તક કરાવવાની થતી હતી જેથી તેણે ત્યાંથી રેતી ઉપાડવાની મનાઈ મૌખિક કરવામાં આવેલ પરંતુ આ લીઝધારકે આ કાર્યવાહીઓ પૂર્ણ કરાવ્યા વગર અહીંથી ખનિજખનન શરૂ કરી દીધું. બીજી તરફ ગ્રામજનો આ સ્મશાન નજીકના રેતીખનનના વિરોધમાં છે. અગાઉ આ બાબતે તંત્ર સમક્ષ લેખિત રજૂઆત પણ થઈ હતી. તે દરમ્યાન કોઈ નિવેડો ન આવ્યો અને 26મી જાન્યુઆરીએ રાત્રે આ બનાવ બની ગયો. આ મામલામાં આરોપીઓની અટક હજુ સુધી થઈ નથી.






















































