Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
આપણે ત્યાં માર્ગમકાન વિભાગ તેની નીતિરીતિઓ ને લઈને છાશવારે ચર્ચાઓમાં રહેતો હોય છે.પંચાયત અને સ્ટેટ માર્ગમકાન દ્વારા થતા પુલ,કોઝવે,રસ્તા,બીલ્ડીંગ વગેરે કામોમા કચાશ રહેતી હોવાના અનેક કિસ્સાઓ બહાર આવે છે,અમુક દબાય જાય છે,અને અમુક જગજાહેર પણ થતા નથી જે અમુક જાણતા હોય છે,આવી સંખ્યાબંધ બાબતોમાંની વધુ એક બાબત ઉજાગર થઇ છે,જેમા પહેલા તો ઢાંક પીછોડા થયા બાદમા દોડધામ થઇ અને સમગ્ર પ્રકરણમા કોઇકની ભલામણથી કોઇક ને બચાવવાનો કારસો હોવાનુ જાણકારોમા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચર્ચાઈ રહ્યું છે,
દેવભૂમિદ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભરાણા ગામ નજીક નવો જ બનેલો પુલ સોમવારે જ ખુલ્લો મૂકાયા બાદ ધોધમાર વરસાદથી ખખડી જતાં આ વિસ્તારના અડધો ડઝન જેટલા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે.આ ચકચારી પ્રકરણની ગ્રામજનો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભરાણા ગામથી ટીંબડી ગામ તરફ જતાં માર્ગ વચ્ચે આવતી નદી પર એક પુલ મંજૂર કરાયો હતો.આ નદી પર અંદાજીત ૮૦ ફૂટની લંબાઇના આ પુલ માટે આશરે રૂા. એકાદ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા પુલનું કામ આશરે સાતેક મહિને સંપન્ન થયું હતું,
આ પુલના નિર્માણ સમયે ગ્રામજનોના આક્ષેપો વચ્ચે આ પુલ ભરાણા તથા આસપાસના રહીશો તથા વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો,દરમિયાન આશરે ત્રણેક ઈંચ વરસાદથી ભરાણા ગામની નદીમાં પાણીની આવક થઈ હતી.પરંતુ લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ નવો પુલ છેવાડાના બન્ને ખૂણેથી તૂટી જતાં આ પુલ હાલ બિનઉપયોગી બની ગયો છે.
આ પુલના નિર્માણકામ દરમિયાન કામ ચલાઉ ડાયવર્ઝનમાં પણ નદીના પાણી ભરાઈ જવાના કારણે વાડીનાર, માંઢા, ટીંબડી, આંબલા, ભરાણા વિગેરે ગામોમાં આવવા-જવા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે,આ ગામો માટેના એકમાત્ર મેઈન રોડપર પુલ કે ડાયવર્ઝન હાલ બિનઉપયોગી બની રહેતાં આ ગામો ખંભાળિયા તથા જામનગર માટે સંપર્ક વિહોણા થઈ ગયા હતાં,આમ પ્રથમ વરસાદે જ ભ્રષ્ટાચારની પોલ ખોલી દેતાં ગ્રામજનોમાં આ બાબતે ભારે રોષની લાગણી પ્રસરાવી છે.
-એપ્રોચ સ્લેબ બાકી છતા ખુલ્લો મુકી બાદમા લુલો બચાવ
જિલ્લા વિકાસ અધિકારીની સુચનાથી કાર્યપાલક ઇજનેર એ.જે.ચૌહાણએ સ્થળ પર દોડી જવુ પડ્યુ હતુ,અને જણાવ્યુ હતુ કે આ પુલનુ કામ સંપુર્ણ પુરૂ થયુ નથી,જેમા એપ્રોચ સ્લેબ બાકી છે,વેરીંગ કોટ બાકી છે,પરંતુ ગ્રામજનોની સુવિધા માટે આ પુલ ખુલ્લો મુકાયો છે,જોકે મોડેથી મશીનરીઝ કામે લગાવી જરૂરી કાર્યવાહી ધરાઇ હતીદરમ્યાન આ કામનુ કેટલુ પેમેન્ટ ચુકવાઇ ગયુ છે,અને તબક્કાવાર કેટલુ ઇન્સપેક્શન થયુ છે,તે બાબતો હજુ જાહેર થઇ નથી જે વિગતો જાગૃત નાગરિકો જાહેર હિતમા માંગી શકે છે