Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ખંભાળિયા નજીક આવેલ એસ્સાર હવે નયારા એનર્જી કંપની દ્વારા સલાયા નજીક બંદરેથી શીપ મારફત કરવામાં આવતા કોલસાની આયાત દરમિયાન એસ્સારના સ્ટોક યાર્ડમાંથી ૩૦ કરોડના કોલસા ચોરી થયાનું બહાર આવતા એસ્સાર બલ્ક ટર્મિનલ(સલાયા)સર્વિસ લિમિટેડના અધિકારી વગેરેનો હાથ હોવાનું ખૂલતાં મામલો જે-તે સમયે પોલીસ મથક સુધી પહોંચ્યો હતો,અને સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી,અને તાજેતરમાં જ આ મામલાની તપાસ સીઆઇડી ક્રાઈમ રાજકોટને સોંપાઈ હોવાનું જાણવા મળે છે,
ખંભાળિયા નજીક આવેલ નયારા એનર્જી કંપની દ્વારા સલાયા નજીક બંદરેથી શીપ મારફત કોલસાની આયાત કરીને એસ્સાર બલ્ક ટર્મિનલ (સલાયા)સર્વિસ લિમિટેડ સાથે કરાર મુજબ નાના માંઢા નજીક આવેલ એસ્સાર કોલ સ્ટોક યાર્ડમાં કોલસો રાખવામાં આવતો હતો,દરમિયાન નયારા એનર્જી કંપનીના મુંબઈથી આવેલા અધિકારીઓએ આ સ્ટોકયાર્ડમાં કોલસાની આવક-જાવકનું ઓડિટ હાથ ધરતા ૬૮૩૮૧ મેટ્રિક ટન એટલે કે ૩૦ કરોડના કોલસાનો ગોટાળો નીકળ્યો હતો,અને છેલ્લા એક વર્ષ દરમ્યાન કોલસા ચોરી કે સગેવગે થયો હોવાનું ઓડિટ રિપોર્ટમાં બહાર આવ્યું હતું,
આથી નયારા એનર્જી કંપનીના અધિકારી અનિલ વિશ્વંભરમએ એસ્સાર બલ્ક ટર્મિનલ (સલાયા) સર્વિસ લિમિટેડના જવાબદાર અધિકારી,કર્મચારી,સિક્યુરિટી ગાર્ડ વગેરે સામે ચોરી કે કોલસાને સગેવગે કરીને ઉચાપત કરી નયારા એનર્જી કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની વાડીનાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી,જે બાદ સમગ્ર મામલાની તપાસ સ્થાનિક પોલીસ અને બાદમાં એલસીબી દ્વારકાને સોંપવામાં આવ્યા બાદ આ ચર્ચાસ્પદ કેસની તપાસ રાજકોટ સીઆઇડી ક્રાઈમને સોંપવામાં આવી હોવાનું દ્વારકા એસ.પી.એ જણાવ્યું હતું.આમ કોઈને કોઈ કારણોસર આ ચર્ચાસ્પદ કેસની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપવામાં આવતા અનેક ચર્ચાઓએ જન્મ લીધો છે.