Mysamachar.in-જામનગર:
જામનગર અને ગુજરાત સહિત દેશભરમાં GST કર વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ, એક તરફ પ્રમાણિક કરદાતાઓ વિવિધ બાબતોમાં વરસોથી હાલાકીઓ વેઠી રહ્યા છે અને બીજી તરફ ‘ખાસ’ વર્ગએ સ્થાનિક અધિકારીઓ અને ઉપરના પીઠબળનો આધાર લઈને સારી એવી ‘ગોઠવણ’ કરી લીધાંની વિગતો વિશ્વસનીય સૂત્રમાંથી પ્રાપ્ત થઈ રહી છે. સૌ જાણે છે એમ, રિઅલ એસ્ટેટ બિઝનેસમાં ઘણું એવું હોય છે, જે રિઅલ નથી હોતું, આમ છતાં GST તંત્ર આ ક્ષેત્રમાં જાહેરમાં ધોકો પછાડતું નથી અને ખાનગીમાં લાગતાં વળગતાઓ પર તંત્રના આશિર્વાદ હોવાની સિલસિલાબંધ વિગતો ખુદ તંત્રમાંથી જ લીક થતાં, સંબંધિતોમાં દોડધામ મચી ગઈ હોવાનું વર્તુળો જણાવી રહ્યા છે.
રિઅલ એસ્ટેટ બિઝનેસ અબજોનો છે. જેમાં સિમેન્ટ મહત્વનું ફેકટર છે. આ ક્ષેત્રમાં ખરીદ અને વેચાણ કેવી રીતે દેખાડવું ? બિલ્ડર કવોટાનો માલ કેવી રીતે ઉપાડવો ? ઓપન માર્કેટનો માલ એટલે કે સિમેન્ટની ખરીદી કેવી રીતે કરવી ? અલગઅલગ રીતે ખરીદેલી, ઉપયોગમાં લીધેલી અને સગેવગે કરેલી સિમેન્ટનો ચોપડે અને સાઈટ્સ પર તાળામેળ કેવી રીતે બેસાડવો ? સિમેન્ટના આ મજબૂત બિઝનેસમાં સરકારની એટલે કે પ્રજાની, GST તંત્રની તિજોરીને ચૂનો કેવી રીતે લગાવવો ? વગેરે વગેરે બાબતોમાં નિષ્ણાંતોનું માર્ગદર્શન ખેલાડીઓને કરોડો રૂપિયા કમાવી આપતું હોવાનું સૂત્ર જણાવે છે.
આ પ્રકારની મોડસ ઓપરેન્ડી લાંબા સમય સુધી, સલામત રીતે ચાલતી રહે અને વચ્ચેથી મલાઈ સૌ સંબંધિતો સુધી નિયમિત રીતે અને વાજબી હિસ્સામાં પહોંચતી રહે એ માટે, માત્ર તંત્ર સાથેની સાંઠગાંઠ કામિયાબ ન થઈ શકે, એ માટે વચેટિયાઓની મદદથી શાસનનો આડકતરો સપોર્ટ મેળવવો ફરજિયાત બની જતો હોવાનું પણ સૂત્ર જણાવે છે.
જ્યારથી GST કર વ્યવસ્થાઓ અમલમાં આવી છે, રિઅલ એસ્ટેટ ફીલ્ડમાં સિમેન્ટ સહિતની મહત્વની ચીજોમાં આ ગોઠવણો થઈ ચૂકી હોવાની વિગતો ત્રૂટક ત્રૂટક તંત્રમાંથી જ લીક થઈ રહી છે. જામનગરથી માંડીને ગાંધીનગર સુધીની કચેરીઓ આ માયાજાળને છૂપા આશિર્વાદ આપી રહી હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં રિઅલ એસ્ટેટ બિઝનેસ અબજો રૂપિયાનો છે અને જામનગર સહિતના રાજયના સંખ્યાબંધ ખેલાડીઓ એક યા બીજી રીતે માયાનગરી સાથે સંકળાયેલા રહે છે, અને સિમેન્ટના માત્ર સેલ પરચેઝ બિલોની જ હેરાફેરી નહીં અન્ય કેટલીક જાણીતી ટ્રીકના દુરુપયોગથી બ્લેક મનીનું સર્જન થતું રહે છે. રિઅલ એસ્ટેટ બિઝનેસમાં જ્યારે જ્યારે IT દરોડા પડે છે ત્યારે ત્યારે કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો બહાર આવતાં હોવા છતાં, GST તંત્ર સિમેન્ટ સહિતની બાબતો અંગે ધરાર મૌન રહે છે, જે અત્રે સૂચક છે.
જામનગર સહિતની રાજ્યની GST કચેરી, એન્ફોર્સમેન્ટ એજન્સી, ઓડિટ પ્રોસેસ, ટેક્સ ડિમાંડ વિભાગ, આકારણી તંત્ર અને ઈકોનોમિક ઓફેન્સ નિયંત્રણ એજન્સીઓ વગેરેમાં કચેરીઓની ચાર દીવાલો વચ્ચે કરવામાં આવતી કામગીરીઓ અને કાર્યવાહીઓની ઘણી મહત્વની ખાનગી વિગતો ક્રમશ: બહાર આવી રહી છે. અને, સૂત્ર તો ત્યાં સુધી કહે છે કે, સિમેન્ટના મજબૂત બિઝનેસમાં માત્ર આંતરરાજ્ય કૌભાંડો જ નહીં પરંતુ સ્થાનિક કચેરીઓની ‘પરવાનગી’ થી રાજ્યની અંદર જ, અન્ય શહેરો સાથેના વ્યવહારમાં પણ ઘણાં કૌભાંડ ચાલી રહ્યા છે, જેમાં ખાસ કરીને સિમેન્ટના પરચેઝ અને સેલ બિલ તેમજ ઈ-વે બિલની અજીબ રમત બહુ મોટો, હજારો કરોડનો ખેલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ બિઝનેસમાં ફેક બિલિંગ કે ITC કૌભાંડ કોઈ જ GST કચેરીઓ પકડી પાડતી નથી. કાં ??!
-જામનગરમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડી ?!
સિમેન્ટ બિઝનેસ જામનગરમાં પણ ઘણાં લોકોને સારાં એવા પ્રમાણમાં ફળો આપી રહ્યો છે. ‘વિશાળ’ હ્રદયના માલિક અને શાસનના લાભાર્થી ખેલાડીઓ આપણાં શહેરમાં બેસી, સ્થાનિક GST કચેરીમાં ઝીણું કોતરકામ અને નકશીકામ કરી, છેક માયાનગરી સુધી પોતાની પાંખો ફેલાવી શકે છે, અને આ ઉપરાંત કચેરીના ‘અંદર’ના ખેલાડી તરીકે પણ બહાર, જામનગરની બહાર પણ સિમેન્ટનો મજબૂત બિઝનેસ ગોઠવવામાં સફળ લોકોને કચેરીના આશિર્વાદ મળી રહ્યા છે, એ મોટી વાત નથી ?! સૌ જાણે છે એમ રાજાશાહીમાં પણ ‘રાણી’વાસ સાથે સંકળાયેલા અથવા રાજાઓ સાથે ઉઠક બેઠક ધરાવતાં લોકો, કારભારમાંથી ઘણું કોતરકામ કરી જ લેતાં.
(તસ્વીર પ્રતિકાત્મક છે)