Mysamachar.in-ગોધરા
રાજ્યમાં ATM સેન્ટરો જેમાં લાખોની કેસ લોડ કરેલ હોય છે તેને મોટાભાગની બેંકો માત્ર સીસીટીવી કેમેરાના સહારે છોડી દે છે, ત્યારે આવા ATM સેન્ટરો તસ્કરો અને લુટારાઓ માટે મોકળું મેદાન બની જાય છે, આવો જ વધુ એક કિસ્સો ગોધરા જીલ્લામાં સામે આવ્યો જ્યાં હાલોલ ગોધરા રોડ પર આવેલી બેંક ઓફ બરોડા શાખાના ATMને તોડી તેમાંથી રૂા.18 લાખ જેટલી કેશ લૂંટવાનો ચાર તસ્કરોનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. નાઇટ પેટ્રોલિંગ કરી રહેલા બે પોલીસ જવાનો ત્યાં આવી પહોંચતા ચારે જણા ત્યાંથી ભાગી જતાં ATM લૂંટાતાં બચી ગયું હતું.
હાલોલ ગોધરા રોડ પર ટેલિફોન એક્સચેન્જની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડાના ATMમાં 18 લાખ જેટલી કેસ ભરેલી હતી. બુધવારે મોડી રાત્રે નંબર વગરની શિફ્ટ કારમાં 4 જેટલા બુકાનીધારી તસ્કરોએ ATMને નિશાન બનાવ્યું હતું. તસ્કરો ATM કટિંગ કરવા ગેસ કટિંગની કીટ લઈને આવ્યા હતા. ATMની સામેની બાજુ કારમાં બેઠેલો એક તસ્કર નજર રાખી રહ્યો હતો. જ્યારે બાકીના 3 ATMમાં દાખલ થઈ ગેસ કટર ચાલુ કરી ATMને ઉભું ચીરી નાખ્યું હતું. જોકે કેસ બોક્સ ખુલે તે પહેલા જ નાઈટ પેટ્રોલિંગ કરી રહેલ પોલીસના બે જવાનો આવી પહોંચતાં તસ્કરો ગેસ કટિંગની કિટ ATMમાં જ મૂકી કારમાં ગોધરા તરફ ભાગી છૂટ્યા હતા. પોલીસે બેંક અધિકારીઓને જાણ કરતા અધિકારીઓ ATMમાં કેસ લોડિંગ અનલોડિંગ કરતી કંપનીના કર્મીઓને જાણ કરતા તેઓ પણ આવી પહોંચ્યા હતા. જ્યાં પોલીસની હાજરીમાં ATM ચેક કરતા 18 લાખની કેસ અકબંધ જોવા મળતા હાશકારો થયો હતો. પોલીસ પેટ્રોલિંગની સતર્કતાથી 18 લાખની ચોરીનો નિષ્ફળ પ્રયાસ બન્યો હતો.