Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા કોઈકને કોઈક બાબતને લઈને હંમેશા ચર્ચામાં આવી જતી હોય છે, એવામાં આજે એક એવું કૌભાંડ સામે આવ્યું છે, જેને શહેરમાં ચાલતા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો કરી દીધો છે, આજે શહેરના એક જાગૃત નાગરિકે સીધો જ કમિશ્નરને ફોન કરીને કઈ રીતે કચરામાંથી કમાવવાનું કૌભાંડ ચાલે છે, તેને ઉજાગર કરી દીધું છે. Lockdown મા મનપાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરમાંથી કચરો ઉપાડવાની કામગીરી અવિરત રાખવામાં આવી છે, ત્યારે આ સમયનો લાભ ઉઠાવી પાવરલાઈન કંપનીની કચરો ભરતી ગાડીમાં માટીનો જથ્થો ભરી કચરાનું વજન વધારી બિલ બનાવી તે મુજબની રકમ મનપા પાસેથી વસૂલ કરવાના કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો છે,
જેમાં શહેરના વોર્ડ નંબર 14 મા ચાલતી કચરાની ગાડી વોર્ડ નંબર 8 મા પહોંચી ખાનગી જગ્યાએથી માટીનો જથ્થો ગાડીમાં ઠાલવી કચરાનું વજન વધારી અને ઊંચા ભાવ ના બિલ બનાવવાનું કાવતરું કરી રહી હતી જે બાબત એક જાગૃત નાગરિકને ધ્યાને આવી અને ભોપાળું છતું થઇ ગયું…વોર્ડ નંબર 8 માં એક જાગૃત નાગરિકે માટી ભરેલી કચરાની ગાડીચાલક નાશી ના જાય તે માટે તેમાં બેસી જઈ અને બાદમાં કમિશનર સતીશ પટેલનો ટેલીફોનિક સંપર્ક કરી તાકીદની અસરથી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી જેના પગલે મનપાના એસ.એસ. આઇ સહિતની ટીમ વોર્ડ નંબર 8 માં ઉદ્યોગ નગર પોલીસ ચોકી પાછળથી ઝડપી લેવામાં આવેલી કચરાની ગાડી પાસે પહોંચ્યા હતા,
મનપાની ટીમ દ્વારા કચરાની ગાડીમાં ચેક કરતા ગાડીમાં કચરાના બદલે માટી હોવાની બાબતો પ્રકાશમાં આવી હતી તપાસ માટે પહોચેલી ટીમ દ્વારા સ્થળ ઉપર પાવર લાઇન કંપનીની કચરાની ગાડીના તેમજ ડ્રાઇવરના ફોટા પાડી રોજકામ કરી અને કમિશ્નરને જાણ અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો હતો, આ સમગ્ર કાર્યવાહી પૂર્ણ થતા કમિશનર દ્વારા જાગૃત નાગરિકને બિરદાવવામાં આવ્યા હતા તેમજ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, હવે જોવાનું એ રહ્યું કે આવું કાઈ પહેલી વખત સામે આવ્યું નથી, આ પૂર્વે પણ આવી અનેક ગોબચારીઓ સામે આવી ચુકી છે, ત્યારે જાગૃત નાગરિકોએ પણ શહેરના હિતમાં આગળ આવતા રહેવું અનિવાર્ય છે.
-ગયા મહિનાથી માંડીને આજ દિવસ સુધીની આ ગાડીની તમામ ટ્રીપ કેન્સલ:મુકેશ વરણવા
આજે જે કૌભાંડ સામે આવ્યું તેને લઈને સોલીડ વેસ્ટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવાની પ્રતિક્રિયા લેવામ આવી ત્યારે તેને કહ્યું કે આ બાબત ધ્યાને આવતા પાવર લાઈન કંપનીની આ ગાડીની ગયો માસ એટલે કે માર્ચ માસ થી આજ દિવસ સુધીની ટ્રીપ કેન્સલ ગણવામાં આવશે, અને આગામી બે માસ સુધી આ ગાડી કચરો એકત્ર કરવા માટે જઈ શકશે નહિ, તેવી કડક સજા કમિશ્નરના આદેશથી કરવામાં આવી છે,વધુમાં તેવો એ કહ્યું કે આ ગાડી વોર્ડ નંબર 14 માટે ફાળવેલ છે, અને જે જગ્યાએ થી આ કૌભાંડ સામે આવ્યું તે વોર્ડ નંબર 8 માં આવે છે.