જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓવરહેડ વીજ ટ્રાન્સમિશન લાઈન્સને એટલે કે વીજતારોને કોટેડ બનાવીને વીજવિક્ષેપ ઘટાડવા માટેની રૂ. 3,000 કરોડની યોજના PGVCL દ્વારા આગળ વધારવામાં આવી રહી છે.
સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં લાખો રહેણાંક વીજજોડાણો અને ઔદ્યોગિક વીજજોડાણો એવા છે જેમાં પાવર ટ્રાન્સમિશન માટેના જે ઓવરહેડ વીજતારો છે તેને વાતાવરણની કોરોસિવ અસરો થતી હોય છે એટલે કે આ વીજવાયરોનું ખવાણ થતું હોય છે, કાટ લાગતો હોય છે, કારણ કે ત્રણેય ઋતુ દરમ્યાન આ વીજવાયરો પર ઠંડી, ગરમી અને વરસાદનો માર પડતો હોય છે જેને શોર્ટ સર્કિટ અને વાયરો સડી જવા, તૂટી પડવા જેવી બાબતો આકાર લેતી હોય છે અને તેથી અવારનવાર વીજપૂરવઠો ગાયબ થઈ જતો હોય છે. આમ થવાથી લાખો લોકો હેરાન થતાં હોય છે અને ઉદ્યોગ, વેપાર તથા ખેતીમાં પણ અનેક સમસ્યાઓ ઉભી થતી હોય છે.
આ બધી બાબતોના ઉકેલ માટે વીજતંત્ર દ્વારા MVCC એટલે કે મિડીયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર નામની નવી ટેકનોલોજી અપનાવવામાં આવી છે જેમાં વીજતારોને કોટીંગ કરવામાં આવે છે, જે વાતાવરણની અસરો સામે વીજતારોને રક્ષણ આપે છે અને મજબૂતી બક્ષે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્ર કચ્છના કુલ 10 જિલ્લાઓ 700 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતાં હોય, વીજતારો પર વાતાવરણની વધુ ઘેરી અસરો થતી હોય છે. આ ઉપરાંત ઘણી જગ્યાઓ પર ખેડૂતો વીજતંત્રને વૃક્ષોની ડાળીઓ કાપવાની કામગીરીઓમાં પણ અવરોધ ઉભા કરતાં હોય છે. આ બધાં કારણોસર વીજવિક્ષેપ વધી જતાં હોય છે.
PGVCL ના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોષીએ કહ્યું કે…
MD કેતન જોષી કહે છે: 2 વર્ષ અગાઉ આ પાયલોટ પ્રોજેક્ટ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સફળતા મળી ગયા બાદ, આ યોજના પૈકી પ્રથમ તબક્કામાં રૂ. 1,000 કરોડનું ટેન્ડર અમલમાં મૂકવામાં આવ્યું છે. આખી યોજના રૂ. 3,000 કરોડની છે. આ માટેનું ફંડ કેન્દ્ર સરકારમાંથી RDSS એટલે કે રિવેમ્પડ્ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ અંતર્ગત આપવામાં આવે છે. આ યોજનાથી વીજઆંચકા લાગવાને કારણે પશુઓ અને માનવ જીવનની જે ક્ષતિઓ થઈ રહી છે તેને પણ ઘટાડી શકાશે. વીજવિક્ષેપ ઘટવાથી ઉદ્યોગ અને વેપારને પણ ઘણો ફાયદો થશે.