Mysamachar.in-અમરેલી
તાજેતરનો વડોદરાનો એક કિસ્સો હજુ લોકોના માનસપટ પર હશે જેમાં એક પોલીસ ઈન્સ્પેકટરે તેની પત્નીની હત્યા નીપજાવી લાશને સળગાવી દીધી હતી, અને બાદમાં આ હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો, ત્યાં જ રાજ્યમાં આવો વધુ એક ચકચારી કિસ્સો અમરેલીમાં સામે આવ્યો છે, અમરેલીમાં નિવૃત પીઆઈએ છરીના ઘા ઝીંકી પુત્રવધુની હત્યા નીપજાવી કાવતરું રચી કરાયેલ હત્યાને આત્મહત્યાના કિસ્સામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ડોકટરી પુરાવા તેમજ સીસીટીવીએ નિવૃત પીઆઇ તેમજ તેમના પરીવારજનોની પોલ છતી કરી દીધી અને પોલીસે આરોપી નિવૃત પીઆઇ તેમજ તેના પરિવારજનોને ઝડપી પાડી હત્યાની ભેદ ઉકેલ્યો. જોકે, સૌથી વધુ ચોંકાવનારી બાબત એ હતી કે કાયદાના જાણકાર એવા આ નિવૃત પીઆઈએ હત્યા કર્યા બાદ સમગ્ર ઘટનાક્રમને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.પણ તેમાં તે સફળ રહ્યા નહોતા.
અમરેલીના સહજાનંદ નગર વિસ્તારમાં રહેતી મહિલાએ ગત તા.06ના રોજ પરણીતા પૂનમબેન વાઘેલાએ પોતાના મકાનમા બ્લડ પ્રેશરની બીમારીથી કંટાળી પોતાની જાતે છરીના ઘા માર્યા હોવાની ઘટના પરિવારે ઉપજાવી કાઢી હતી. ત્યારબાદ તેમને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયા હતા. બાદમાં ત્યાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું તા.08 ના રોજ મોત નીપજ્યું હતું અને પરિવારજનોએ આત્મહત્યા કરી હોવાનું પોલીસમાં લખાવ્યું હતું. વાઘેલા પરિવારને એવું હતું કે પોલીસ તપાસ નહીં થાય અને થશે તો પુરાવા નહીં મળે પરંતુ કાનુનના હાથ લાંબા હોય છે અને પાપ છાપરે ચઢીને પોકારે છે. જોકે, ઉંડાણ પૂર્વક તાપસ દરમિયાન આ ઘટનામાં પીએમ રિપોર્ટમાં ડોકટર દ્વારા લખ્યું હતું કે કોઇ વ્યક્તિ પોતાની જાતે છરીના આ પ્રકારે ઘા કરી શકે નહી. તબીબે તેવો અભિપ્રાય આપ્યો હતો. જેથી પોલીસે આજુ-બાજુ જગ્યામાં લાગવાયેલ CCTV ચેક કર્યા હતા.
આ CCTV ફુટેજમાં મૃતકના સસરાની મૃતકના ઘરે હાજરી તેમજ મૃતકના પરિવારજનોની દિનચર્યા જોઈ શંકા ઉપજાવી હતી અને મૃતકના ભાભીએ પણ આ હત્યા હોવાની ફરિયાદ કરી હતી અને તેમના ફોન પર પણ તેમની પુત્રીને લઈ જવાનું કહ્યું હતું જેથી પોલીસે તપાસ કરતા આ ઘટના આત્મહત્યા નહિ પરંતુ હત્યા હોવાનું ખુલ્યું હતું. આ ઘટનામાં પુત્રવધુની હત્યા તેમના જ સસરા અને નિવૃત પીઆઇ ગિરીશ વાઘેલાએ કરી હોવાનું સામે આવ્યું છે. તો મહિલાના પતિ દેવેન્દ્ર વાઘેલા અને સાસુ મધુબેન વાઘેલા પણ હત્યામાં સામેલ હોય અને કાવતરું રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘર કંકાસ અને મહિલાના પતિ દેવેન્દ્ર વાઘેલાના અન્ય મહિલા સાથેના અફેર હતા જે પત્ની પૂનમ બહેનને ગમતું નહોતું, જેથી પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા. આ ઝઘડામાં જ થોડાં દિવસો પહેલાં મૃતક મહિલા ઘર છોડીને પણ જતા રહ્યા હતા.
આ મામલે અમરેલી પોલીસે ‘મૃતક પૂનમ બહેનના પતિ સાથે ઝઘડા થતા હોવાથી તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા હતા. દરમિયાન બનાવના દિવસે મૃતકના સસરા નિવૃત પીઆઈ વાઘેલાએ મૃતકના ભાભીને ફોન કરી અને તમારી દીકરીને લઈ જાવ એવું કહ્યું હતું. પરિવાર આખો હત્યા સામેલ છે. પરિવારે આત્મહત્યાની થિયરી બતાવી હતી પરંતુ પોલીસ તપાસમાં આ ઘટનાક્રમ હત્યા હોવાનું ખુલ્યું છે. હાલ આરોપી નિવૃત પી.આઈ.તેમની પત્ની અને પુત્રની અટક કરી અને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હથિયાર કબ્જે કરવાની તજવીજ શરૂ છે.