Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જગવિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે તાજેતરના દીવાળીના વેકેશનમાં લાખો શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ પહોંચ્યા હતાં. આ સમયે એક એવી ઘટના બની કે, હજારો લોકોમાં અફરાતફરી મચી ગઈ. એવો વીડિયો વાયરલ થયો કે, અહીં મોક્ષદ્વાર નજીક બનાવાયેલો હંગામી ગેટ તૂટી પડ્યો. જો કે, આ કથિત બનાવમાં એક પણ વ્યક્તિને ઈજાઓ થઈ નથી. પરંતુ લોકોના આટલાં મોટા ધસારાને પહોંચી વળવા જરૂરી વ્યવસ્થાઓ ન હોવાને કારણે ઉહાપોહ મચી ગયો એમ સૂત્ર જણાવે છે.
દ્વારકા ખાતે દર દીવાળી વેકેશનમાં લાખો લોકો પહોંચે છે. સ્થાનિક કક્ષાએ સૌને આ જાણકારીઓ છે. આથી વ્યવસ્થાઓ અને સલામતી એવી રીતે આયોજિત કરવા આવશ્યક બને કે કયાંય કશું આડુંઅવળું ન થાય અને સૌ શ્રદ્ધાળુઓ શાંતિ અને સરળતાથી દર્શન અને ફરવાનો આનંદ માણી શકે. આ વર્ષે પણ અહીં 4.65 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા. પરંતુ તે દરમ્યાન શુક્રવારે બપોરે એવો વીડિયો વાયરલ થયો કે, અહીં એક હંગામી ગેટ તૂટી પડતાં ભારે અફરાતફરી મચી ગઈ. આ અંગે સ્થાનિક વહીવટદાર કહે છે: ગેટ તૂટ્યો નથી. ગેટનું સમારકામ તાકીદે કરી લેવામાં આવ્યું. દુર્ઘટના સર્જાઈ નથી. તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. કોઈએ 2 વીડિયોઝ ક્લબ કર્યા અને વાયરલ કર્યા.





