Mysamachar.in-ગુજરાત:
ભારતીય જનતા પાર્ટી અને તેમના સહયોગી પક્ષો અબ કી બાર, ચારસો પારનો નારો ગજાવી રહ્યા હતાં પરંતુ મતગણતરીઓ દરમિયાનના આંકડાઓ જુદું કહે છે. નવી રચાનારી સરકાર મજબૂત નહીં રહે એવી આશંકાઓ સાથે શેરબજાર પણ આજે લોહીલુહાણ જોવા મળે છે. ગુજરાતમાં પણ શાસકપક્ષનું ગણિત વિખાઈ ચુક્યું હોય તેમ લાગ્યું,
ભાજપા દ્વારા દેશભરમાં એવો પ્રચાર થતો હતો કે, લોકસભાની 543 બેઠક પૈકી 400થી વધુ બેઠક પર મોદી છવાઈ જશે. પરંતુ આજે મતગણતરીઓ દરમિયાન બપોરે 12:45 કલાકે જોવા મળેલ છે કે, નવી રચાનારી સરકાર મજબૂત નહીં હોય, વિપક્ષ ગઠબંધન બળવાન બનતું દેખાઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર અને તામિલનાડુ સહિતના રાજ્યોમાં વિપક્ષનો દેખાવ સારો જોવા મળે છે, આ કારણથી શેરબજારમાં ઐતિહાસિક અને લોખંડી કડાકો જોવા મળેલ છે. રોકાણકારોએ અબજો રૂપિયા ગુમાવી દીધાં.

ગુજરાતમાં સુરત લોકસભા બેઠક ભાજપા તરફે બિનહરીફ જાહેર થઈ પરંતુ બાકીની 25 બેઠક પર પાંચ પાંચ લાખની લીડ મેળવવાની શાસકપક્ષની વાત વિરોધી મતદાનમાં તણાઈ રહેલી જોવા મળે છે. અને, 25 પૈકી 2 બેઠક પર તો વિપક્ષ ઉમેદવારોએ તાકાત દેખાડી છે. ગુજરાતમાં શાનદાર હેટ્રીકનું શાસકપક્ષનું સપનું અધૂરૂં રહ્યું કારણ કે બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરે વિજય મેળવી અને શાશકપક્ષોને વિચારતા કરી દીધા છે.
