Mysamachar.in-અમરેલીઃ
છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં આવેલી કુખ્યાત લેડી ડોન સોનું ડાંગરની અમરેલી ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી લીધી છે. થોડા સમય પહેલા જ સોનું ડાંગરનો કથિત વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે અમરેલી એસ.પી અને પી.એસ.આઈ.ને ધમકી આપતી દેખાઇ રહી હતી. આ બાબતે બિભત્સ ઉચ્ચારણો સાથે ઉશ્કેરણીજનક વીડિયો મામલે PSI ડોડિયાએ સોનુ ડાંગર વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. બાદમાં એસ.પીની સૂચનાના આધારે LCB અમરેલી દ્વારા કુખ્યાત લેડી ડોનની વીડિયો વાયરલ કર્યાના 48 કલાક જેટલા જ સમયમાં રાજસ્થાનના ઉદેયપુરથી ધરપકડ કરવામાં આવી છે.
અમરેલી પોલીસના જણાવ્યા પ્રમાણે ધરપકડ બાદ સોનુ ડાંગરની પુછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણીએ જણાવ્યું કે પોતાના મિત્ર શીવરાજ ઉર્ફ મુન્નો રબારીકાની ધરપકડનો વિરોધ કરવા વીડિયો બનાવેલ હતો. પોલીસે જણાવ્યું કે સોનુ ડાંગર શીવરાજ ઉર્ફ મુન્ના રબારીકાની સંગઠીત ગુના આચરતી ગેંગની સભ્ય છે, આ ગેંગ હત્યા, લૂંટ, ખંડણી ઉઘરાવવાના અને ગેરકાયદેસર હથિયારોના ગુનામાં સંડોવાયેલી છે. સોનુ ડાંગર વિરુદ્ધમાં અગાઉ રાજકોટ શહેર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમદાવાદ, અમરેલી વગેરે જગ્યાએ મળી અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં અંદાજે 20 જેટલા ગંભીર ગુન્હાઓ દાખલ છે. જેમાં ખુન, ખુનનો પ્રયાસ, ગેરકાયદેસર હથિયાર, મારામારી, ધમકી, ધાર્મિક લાગણી દુભાવવા સહિતના ગુનાઓ સામેલ છે.