Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં આજે અને આજથી 22 તારીખ સુધીમાં પવન સાથે વરસાદ વરસી શકે છે, એમ હવામાન વિભાગ જણાવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાંક દિવસોથી વાદળો અદ્રશ્ય થયા હોય, લોકો ફરી વરસાદનો ઈંતઝાર કરી રહ્યા છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર રાજ્યના બધાં જિલ્લાઓમાં લોકોને વરસાદના વધુ એક રાઉન્ડની રાહ છે. ચોમાસુ છતાં વરસાદ ન વરસી રહ્યો હોય અને મહત્તમ તાપમાન 34-35 ડિગ્રી જેટલું ઉંચુ રહેતું હોય રાજ્યના કરોડો લોકો મન અને તનથી ઠંડક ઝંખી રહ્યા છે. લોકો ઉકળાટ અને ઉચાટનો અહેસાસ કરી રહ્યા છે.
-શું કહે છે હવામાન વિભાગ ?..
હવામાન વિભાગે આજે જણાવ્યું છે કે, આજે 19 થી 22 જૂલાઈ દરમ્યાન રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. આજે જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ સહિતના સૌરાષ્ટ્ર તથા ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવનાઓ છે.
હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે, આગામી થોડા દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતાઓ છે. કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સમગ્ર રાજ્યમાં 22 તારીખ સુધીમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાનું અનુમાન હોય માછીમારોને પણ સાવચેત કરવામાં આવ્યા છે.