Mysamachar.in-જામનગર:
જામનગરના હાર્દસમા વિસ્તાર પંચશ્વર ટાવર નજીક આજે સવારે હત્યાનો એક કરપીણ બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું છે. સાળા-બનેવી વચ્ચેના આ મામલામાં બનેવીનો ભોગ લેવાયો છે. ભાઈના હાથે બહેનનું સિંદૂર ભૂંસાયુ છે. આ બનાવને કારણે સમગ્ર ગીચ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
આજે સવારે આ કરપીણ હત્યાની વિગતો બહાર આવી. હત્યાનો બનાવ બન્યો હોવાનું જાણમાં આવતાં મીડિયાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. આ સમયે મૃતકના પાડોશીએ કહ્યું કે, મૃતકનો સાળો તથા સાળાનો મિત્ર આ જગ્યાએ ધસી આવ્યા હતાં અને આ ઘાતકી કૃત્યને અંજામ આપ્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.
જામનગરમાં હંસબાઈ મસ્જિદ તરીકે ઓળખાતા વિસ્તારમાં આદિનાથ રેસિડેન્શિ નામની ઈમારતના પાંચમા માળે ફ્લેટ નંબર 502માં આ ઘટના બની. આ ફલેટની બાજુમાં ફ્લેટ નંબર 503માં રહેતાં પાડોશી હિતેષ દવેએ આ બનાવ અંગે મીડિયાકર્મીઓને કેટલીક વિગતો આપી હતી.
હિતેષ દવેએ કહ્યું કે, એક પ્રસંગને કારણે અમો બહાર હતાં. બનાવની જાણ થતાં ઘરે આવ્યા. મારી બાજુમાં રહેતાં નિલય કુંડલીયા નામના આશરે 28 વર્ષના યુવાનની હત્યા થઈ છે. મૃતકના માતાપિતા અને પત્નીએ જણાવ્યું કે, મૃતકનો સાળો તથા સાળાનો મિત્ર અહીં આવ્યા હતાં અને નિલય કુંડલીયાની હત્યા નિપજાવી.
પાડોશીએ જણાવ્યું કે, અમારાં આ એપાર્ટમેન્ટના પેસેજ, લિફ્ટ, પગથિયા વગેરે જગ્યાઓ પર બધે જ લોહીના ડાઘ છે, લોહી છે. મૃતક ઉદ્યોગનગરમાં કોઈ ખાનગી નોકરી કરતો હતો અને ચાર-પાંચ વર્ષથી અહીં રહેવા આવ્યા હતાં.
મૃતકના ફ્લેટમાં ઠેરઠેર લોહી જોવા મળતું હતું અને મૃતકની પત્નીના બધાં જ વસ્ત્રો લોહીથી લથબથ થઈ ગયા હતાં કેમ કે તેણી પતિના મૃતદેહને વળગી ચોધાર આંસુએ રૂદન કરી રહી હતી. આ બનાવમાં ભાઈએ બહેનનો સિંદૂર ભૂંસી નાંખ્યો એ હકીકત ચર્ચાઓમાં આવતાં સમગ્ર વંડાફળી વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. એમ પણ જાણવા મળી રહ્યું છે કે, મૃતક યુવાને પ્રેમલગ્ન કરેલાં હોય સાળા-બનેવી વચ્ચે મનદુઃખ રહેતું હતું.એ ડીવીઝન પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે જે બાદ વધુ વિગતો સામે આવશે.

























































