Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
રાજ્યમાં ઠેર ઠેર રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ અનહદ છે અને તંત્રો માત્ર કાર્યવાહીના ઢોલ પીટે છે તેવામાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવો જ વધુ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઓખા મંડળના સુરજકરાડી ખાતેના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા ભાર્ગવભાઈ જયંતીભાઈ તન્ના નામના 35 વર્ષના વેપારી યુવાન તેમના માતા પ્રવિણાબેન જયંતીલાલ તન્ના (ઉ.વ. 64) સાથે મોટરસાયકલ પર બેસીને દ્વારકાથી સુરજકરાડી ગામે જઈ રહ્યા હતા, ત્યારે વરવાળા ગામ નજીક પહોંચતા તેમની બાઈક આડે એકાએક ગાય દોડતી આવતા મોટરસાયકલને આગળના ભાગ સાથે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે તેઓ બાઈક સાથે ફંગોળાઈ ગયા હતા.
આ અકસ્માતમાં બાઈકમાં જઈ રહેલા પ્રવિણાબેન તન્નાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ ઈજાગ્રસ્ત પુત્ર ભાર્ગવભાઈ તન્નાએ દ્વારકા પોલીસને કરી છે.(પ્રતિકાત્મક તસ્વીર)























































