Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
રાજ્યમાં જે રીતે ખાનગી શિક્ષણ ધીકતો ધંધો છે, એ જ રીતે જો કોઈ સંસ્થા ‘સરકારની સાથે’ રહીને મેડિકલ કોલેજ સ્થાપે તો, તે સંસ્થા શરૂઆતમાં પણ અને પછી કોલેજ ચાલે ત્યાં સુધી દર વર્ષે કોલેજમાંથી મોટું સાલિયાણું પ્રાપ્ત કરી શકે એવી અફલાતૂન યોજના સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી હોય- રાજ્યમાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવા ‘ઢગલો’ પાર્ટીઓ એટલે કે ટ્રસ્ટ અથવા સંસ્થાઓ તૈયાર છે.
થોડાં દિવસ અગાઉ એવા સમાચાર આવ્યા હતાં કે, તબીબી ક્ષેત્રમાં ખાસ કરીને મેડિકલ કોલેજ ક્ષેત્રમાં કેટલીક નાણાંકીય અનિયમિતતાઓ ચાલી રહી હોય, વર્ષ 2025-26માં એક પણ નવી મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવશે નહીં. ત્યારબાદ તરત જ હવે એવો રિપોર્ટ આવ્યો કે, રાજ્યમાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવા પૂર્વે સરકારે આ માટે પ્રેઝન્ટેશન કાર્યક્રમ આયોજિત કર્યો હતો. આ કાર્યક્રમ ગત્ 17મી એ યોજાયો હતો જેની વિગતો હવે રિલીઝ કરવામાં આવી છે.
સરકારે રાજ્યમાં ખંભાળિયા સહિત 7 જગ્યાઓ પર બ્રાઉનફીલ્ડ મેડિકલ કોલેજ શરૂ કરવા તૈયારીઓ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ 4 બ્રાઉનફીલ્ડ મેડિકલ કોલેજો પાંચ વર્ષ પહેલાં શરૂ થઈ છે, જે પૈકી 2 કોલેજમાં ગેરરીતિઓ જોવા મળતાં આ કોલેજોમાં બેઠકો પૈકી 50 ટકા બેઠકો સરકારે ઘટાડી નાંખી. આ ઉપરાંત સરકારે 6 ગ્રીનફિલ્ડ મેડિકલ કોલેજને મંજૂરીઓ આપી હતી જે પૈકી સ્વામિ નારાયણ મેડિકલ કોલેજની બેઠકો શૂન્ય કરી નાંખી છે.
-દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં બનનારી બ્રાઉનફીલ્ડ મેડિકલ કોલેજ એટલે શું ?…
બ્રાઉનફીલ્ડ મેડિકલ કોલેજ માટે સરકારની જોગવાઈ એવી છે કે, આ કોલેજ શરૂ કરનારને સરકાર 20 એકર જમીન આપશે. આ ઉપરાંત નજીકની સરકારી સિવિલ હોસ્પિટલ સરકાર આ સંસ્થાને ચલાવવા માટે આપી દેશે. આ સંસ્થાને સરકાર પાંચ વર્ષ દરમ્યાન રૂ. 60 કરોડ આપશે. સંસ્થા છાત્રો પાસેથી જે લાખો રૂપિયાની ફી વસૂલશે, તે ફી સંસ્થા રાખશે.
-ખંભાળિયામાં કઈ સંસ્થાને આ મેડિકલ કોલેજ ફાળવવામાં આવશે ?..
આ બિઝનેસ કસદાર હોય રાજ્યભરમાં ઘણીયે સંસ્થાઓ અને ટ્રસ્ટને મેડિકલ કોલેજ શરૂ કરવામાં રસ છે. ખંભાળિયાની બ્રાઉનફીલ્ડ મેડિકલ કોલેજ માટે 3 પાર્ટીઓ મેદાનમાં હોવાનું જાણવા મળે છે. આ 3 સંસ્થાઓના બહાર આવેલાં નામો: યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ, શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ અને યદુનંદન આહિર એજ્યુકેશન ટ્રસ્ટ.