સોશીયલ મિડીયા પ્લેટફોર્મ ફેસબૂક ઉપર સી-બિલ સ્કોર ઓછો હોવા છતાં લાખો રૂપિયાની લોન અપાવવાની જાહેરાત કરી, પ્રલોભન આપી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક આસામી સાથે રૂપિયા 63 હજાર જેટલી રકમ પડાવી લેવા સબબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસે મુખ્ય સુત્રધાર સહિત પાંચ આરોપીઓની ગેંગની ધરપકડ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બનતા સાયબર ફ્રોડ અંગેના ગુન્હાઓ અટકાવવા તેમજ ગુન્હા સાથે સંકળાયેલ આરોપીઓ શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને અહીંના ડીવાયએસપી વી.પી.માનસેતાના માર્ગદર્શન હેઠળ સાઇબર ક્રાઇમ વિભાગના પી.આઈ. વી.કે. કોઠીયાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોન બહાને રૂ. 63 હજાર જેટલી રકમની ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા એક આસામીની ફરિયાદને અનુલક્ષીને ટેકનીકલ સોર્સ અને હ્યુમન સોર્સિસના આધારે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં સોસિયલ મિડીયા પ્લેટફોર્મ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ ઉપર સરળતાથી લોન અપાવવાની જાહેરાતો મુકી ફરીયાદીને ખોટા લોન અપ્રુવલ લેટરો મોકલી વિશ્વાસમાં લઇ રૂ. 63,176 ની છેતરપીંડી પ્રકરણમાં અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા કુલદીપ ઉર્ફે કુણાલ સંદીપભાઈ વશી (ઉ.વ. 38), જામનગરમાં ટાઉનહોલ વિસ્તારમાં રહેતા અને બેંક સેલ્સમેન તરીકે કામ કરતા રવિ રાજેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ. 26), અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા અને એક ઇન્સ્યોરન્સ કંપનીમાં રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાણસિંહ રાજપુરોહિત (ઉ.વ. 25), અમદાવાદના શ્યામલ ચાર રસ્તા વિસ્તારમાં રહેતા ધવલ કિશોરભાઈ વ્યાસ (ઉ.વ. 26) અને ખંભાળિયાના સતવારા વાડ, શેરી નંબર 14 વિસ્તારમાં રહેતા દલવાડી આશિષ કાંતીભાઈ કછટીયા (ઉ.વ. 27) નામના પાંચ શખ્સોને રૂ. 93,500 ની કિંમતના આઠ નંગ મોબાઈલ ફોન સાથે ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આ સાયબર ગુનેગારો સામે નોંધાયેલ ગુન્હાની વિગતમાં કુલદીપ ઉર્ફે કુણાલ વશી અને રવિ રાજેન્દ્રભાઈ વ્યાસ વિરૂધ્ધ અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં કલમ 406, 420, 465, 467, 468, 471, 120 (બી) તથા આઈટી એક્ટની કલમ હેઠળ અગાઉ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓને જરૂરી કાર્યવાહી બાદ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

























































