Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં લગભગ તમામ શહેરોમાં જાહેર અને મુખ્ય માર્ગોના કિનારે તથા નાગરિકોને ચાલવા માટેની ફૂટપાથો પર ફેરિયાઓનું દબાણ કોઈના માટે નવી વાત નથી. હવે આ મામલો રાજ્યની વડી અદાલતમાં પહોંચી ગયો છે. અદાલતમાં આ મામલે જાહેર હિતની એક અરજી દાખલ થઈ હોય, આગામી સમયમાં રાજ્યભરમાં આ દબાણો મામલે નવાજૂની થશે, એમ દેખાઈ રહ્યું છે.
ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી આ PILમાં જણાવાયું છે કે, જાહેર માર્ગો અને ફૂટપાથો પરથી ફેરિયાઓને હટાવી રસ્તાઓ તથા ફૂટપાથો દબાણમુક્ત બનાવવી જોઈએ જેથી વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીઓ ન વેઠવી પડે. અમદાવાદ મહાનગરપાલિકાએ અદાલતનું ધ્યાન દોર્યું હતું કે, આ મતલબની એક પિટિશન વડી અદાલતમાં પેન્ડિંગ છે, આ રજૂઆત બાદ અદાલતે આ PIL પેન્ડિંગ પિટિશન સાથે જોડી દીધી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કેટલાંક વર્ષોથી આ જાહેર હિતની અરજી તથા આ અંગેની અદાલતની અવમાનનાની પિટિશન સંબંધી સુનાવણીઓ થઈ રહી છે. આ મામલે વડી અદાલતે અમદાવાદ મહાનગરપાલિકા પાસેથી પ્રોગ્રેસ રિપોર્ટ પણ માંગ્યો છે અને હવે આ મામલાની સુનાવણી ત્રીજી જાન્યુઆરીએ થશે. આ ઉપરાંત PILમાં સ્થાનિક રેલ્વે સ્ટેશન સંબંધિત પણ એક મુદ્દો જોડવામાં આવ્યો છે.
PILમાં એમ પણ કહેવાયું છે કે, દબાણોને કારણે વારંવાર ટ્રાફિક જામ થતાં હોય છે જેને કારણે પ્રદૂષણની ગંભીર સમસ્યા પણ ઉભી થતી હોય છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, રાજ્યભરમાં ફૂટપાથ માત્ર રાહદારીઓને ચાલવા માટે જ હોય છે, આ પ્રકારના ચુકાદાઓ અગાઉ વડી અદાલત અને ખુદ સુપ્રિમ કોર્ટ પણ આપી ચૂકી હોવા છતાં આ પ્રકારના મહત્વપૂર્ણ ચુકાદાઓનો અમલ સ્થાનિક તંત્રો કરતાં નથી અથવા કરાવી શકતા નથી. એક અર્થમાં અદાલતના આદેશની આ અવમાનના પણ કહેવાય.(ફાઈલ તસ્વીર)
