Mysamachar.in-જામનગર:
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જ રાજ્યની કેટલીક સરકારી પ્રાથમિક શાળાઓ કે જેમાં ૩૦ કે તેથી ઓછી વિદ્યાર્થીઓની સંખ્યા હોય તેવી શાળાઓને આસપાસની અન્ય પ્રાથમિક શાળામાં મર્જ કરી દેવાની ચાલી રહેલી વિચારણા થઇ રહી છે, જેમાં જામનગર જીલ્લાના છ તાલુકાની ૧૦૦ શાળાઓનો સમાવેશ થાય છે. ત્યારે આ નિર્ણયની બે પાસાઓ મર્જ થયા બાદ જોવા મળશે..તેવું જાણવા મળે છે.
એક રીતે આ નિર્ણય સારો પણ છે તો બીજી બાજુ કેટલીક શાળાઓ એવી છે કે જ્યાં આવવા જવા માટે કોઈ રસ્તાઓ જ નથી અને વર્ષોથી ત્યાં જ બેસીને વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે તેની હાલત કફોડી થશે. આવી જ એક શાળા જે હવે મર્જ થવાની યાદીમાં આવી ચુકી છે, આ શાળા છે જામનગર તાલુકાની સેન્ચ્યુરી શાળા…આ શાળા ૧૯૮૧ થી કાર્યરત છે, અને હાલ આ શાળામાં ધોરણ ૧ થી ૭મા ૧૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, આ શાળામાં એવા બાળકો અભ્યાસ માટે આવે છે, જે અગરિયાઓના સંતાનો છે, અને નબળી આર્થિક સ્થિતિમાં જીવે છે, ત્યારે શાળા અન્ય મર્જ થવાની વાતને લઈને જયારે શાળાના આચાર્ય સાથે વાત કરવામા આવી તો તેણે કહ્યું કે આ નિર્ણયથી આ વિસ્તારના અને હાલની શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ચાર કિલોમીટર સુધી દુર જવું પડશે જે કદાચ શક્ય નહી પણ બને..
રાજ્યના શિક્ષણ વિભાગના મર્જરના વિચારણાને પગલે જામનગર જીલ્લાના છ તાલુકામા જામજોધપુર તાલુકાની ૧૭, લાલપુર તાલુકાની ૩૨, કાલાવડ તાલુકાની ૧૨, જોડિયા તાલુકાની ૧૦,ધ્રોલ તાલુકાની ૧૫ અને જામનગર તાલુકાની ૧૪ મળી કુલ ૧૦૦ શાળાઓને જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦ થી ઓછી છે તેને આસપાસની અન્ય શાળામાં મર્જ કરી દેવાશે તેમ જાણવા મળે છે, ત્યારે સેન્ચ્યુરી શાળામા અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પણ ખખડધજ રસ્તાઓ અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ના હોવાને કારણે મર્જ થયેલ શાળામાં નહિ જઈ શકે તેમ જણાવે છે.
નવા નાગના ગામ નજીક જામનગર તાલુકામાં આવેલ સેન્ચ્યુરી શાળામાં એવા વિદ્યાર્થીઓ આવે છે, જે ખુબ નબળી સ્થિતિમાં છે, આસપાસ દરિયાઈ પટ્ટી નો વિસ્તાર હોવાથી વિદ્યાર્થીના પરિવારજનો અગરિયાઓ છે, ત્યારે હવે આ શાળા બંધ થશે અને નવી શાળામાં મર્જ થશે તે શાળા હાલની શાળાથી ચારેક કિલોમીટર દુર છે, ઉપરાંત ટ્રાન્સપોર્ટેશનની કોઈ સુવિધા ના હોય વાલીઓ માટે શાળા મર્જ નો વિષય આઘાતજનક બન્યો છે.
આ તો માત્ર એક શાળાની ઉદાહરણરૂપી વાત થઇ પણ આવી તો અનેક શાળાઓ હશે, જેમાંથી અમુક ની મર્જ કરવાની જરૂર સાચી પણ હશે અને અમુક મા નહિ…અને ખરેખર જે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નથી અને વધુ શિક્ષકો છે, તેવી શાળાઓનો મર્જ કરવાનો સરકારનો નિર્ણય યોગ્ય છે, પરંતુ સેન્ચ્યુરી શાળા જેવી અંતરીયાળ શાળાઓ છે, તેના વિધાર્થીઓ માટે મર્જનો નિર્ણય કદાચ ભણતર ભૂતકાળ બનાવનારો બને તો નવાઈ નહિ..