Mysamachar.in:જામનગર
જામનગરમાં થોડાં દિવસો પહેલાં, નવા બની રહેલાં ફ્લાયઓવર હેઠળથી પસાર થઈ રહેલો એક સર્વિસ રોડ સારો બનાવવા માટે, કોર્પોરેશને હૈયાત રોડ પર ડામર અને કાંકરીનું એક લેયર એટલે કે પડ પાથરી પેચવર્કની કામગીરી શરુ કરી હતી જે થયાના થોડાં કલાકો પછી વિપક્ષનાં સભ્યોએ કેટલાક મીડિયાને ત્યાં બોલાવી દેખાડ્યું કે, કોર્પોરેશને કરેલ રોડ ઉખડી રહ્યો છે ! અને આ વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ બાદ મામલો છેક ગાંધીનગર પહોંચ્યો હતો ! અને પછી, તંત્ર દ્વારા આ મુદ્દે પોલીસમાં ફરિયાદ અરજી આપવામાં આવી ! આમ વિપક્ષ અને તંત્ર વચ્ચેની આ લડાઈ આ મામલે તેજ બની છે.
વિપક્ષનો આક્ષેપ એવો રહ્યો કે, તંત્ર આ કામ યોગ્ય રીતે કરાવી શક્યું નથી. અત્યંત આધારભૂત સૂત્રો જણાવે છે કે, તંત્ર દ્વારા આ મુદ્દે છેક ગાંધીનગર રજૂઆત કરી, માર્ગદર્શન માંગવામાં આવ્યું. ગાંધીનગરથી મળેલાં માર્ગદર્શન મુજબ તાજેતરમાં કોર્પોરેશને આ મુદ્દે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ અરજી આપી છે. ગામ આખું જાણે છે કે, વીડિયોમાં કોણ કોણ હતું. તંત્ર વિપક્ષને ઓળખતું નથી ?! તો પછી, તંત્ર દ્વારા અજાણ્યા લોકો વિરૂધ્ધ ફરિયાદ અરજી શા માટે આપવામાં આવી ?! બિચારી પોલીસને શા માટે ખોટી મહેનત કરાવવી જોઇએ ?! તંત્ર નામજોગ ફરિયાદ અરજી આપવાનો વિકલ્પ પસંદ કરી શક્યું હોત. પરંતુ તંત્ર દ્વારા એમ કરવામાં આવ્યું નથી ! તેથી લોકોને અચરજ થયું છે.
મનપાના સિક્યુરીટી ઓફીસર સુનીલ ભાનુશાળી અજાણ્યા શખસો વિરુદ્ધ આપેલ અરજીમાં લખવામાં આવ્યું છે કે રૂ.40 હજારના પેચવર્કવાળા આ કામમાં હજુ રોડની સાઈડમાં વધારાનું મટીરીયલ કે જેની ડેનસિટી પુરી અચિવ ન થઈ હોય, રોલીંગ પણ થયું ન હોય, પુરતો સેટીંગ ટાઈમ મળ્યો ન હોય તેવામાં અજાણ્યા શખસો દ્વારા આ રસ્તાને હાથેથી કે ત્રિકમ જેવા હથિયારોથી તોડી અંદાજે રૂ.6 હજારની નુકસાની કરતા તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા અંગેનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા ફરિયાદ માત્ર ફરિયાદ અરજી આપવામાં આવી હોય, આ મામલામાં ખાસ કશું નોંધપાત્ર થવાની શક્યતાઓ ઓછી, એવું અનુમાન કરી શકાય કેમ કે પોલીસ સ્ટેશનોમાં આવી તો કેટલીયે અરજીઓ ઘા ખાતી હોય છે ! અને સૌથી મોટી વાત એ છે કે, મહાનગરપાલિકાએ આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ વિધિવત્ રીતે નોંધાવવાનું હાલ શા માટે ટાળી દીધું ?! તંત્ર આ મામલાને લાંબો ખેંચવા ઈચ્છે છે ? કે પછી, છેક સુધી આ મામલામાં વિધિવત્ FIR દાખલ થશે જ નહીં ?! એવાં વિવિધ પ્રશ્નો સપાટી પર આવ્યા છે.