Mysamachar.in-જામનગર:
જો પોલીસ તમને પકડે અને તમે ખોટું નામ સરનામું કે અટક આપશો તો બાદમાં તકલીફનો સામનો કરવાનો વારો આવી શકે છે, અહી વાત જામનગર શહેરની કરવામાં આવી રહી છે, જામનગર શરુ સેક્શન રોડ પર સરલાબેન આવાસ ના એક ફ્લેટમાં સીટી-સી ડિવિઝન પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન બે મહિલાઓએ પોતાના નામો ખોટા દર્શાવેલા હતા. બીજા દિવસે આધારકાર્ડના આધારે અટકાયતની પ્રક્રિયા કરતા મામલો સામે આવ્યા પછી પોલીસ દ્વારા બંન્ને મહિલા આરોપીઓ સામે અદાલતમાં ચાર્જશીટ દરમિયાન વધુ કલમનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે.
સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સરલાબેન આવાસના બ્લોક નંબર એ-૪ મા રહેતા ફિરોજ આમદ નામના શખ્સના રહેણાંક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો, છ મહિલાઓ અને મકાન માલિક સામે ગુનો નોંધ્યો હતો, પોલીસે જ્યારે દરોડો પાડયો હતો ત્યારે અલ્કાબેન તેમજ મનીષાબેન નામની મહિલાએ પોતાની માવતરની અટકો લખાવી નામ છુપાવવા માટેના પ્રયત્નો કર્યા હતા. પરંતુ બીજા દિવસે તમામ મહિલાઓને આધારકાર્ડ સાથે પોલીસ મથકે આવવાનું જણાવતા સમગ્ર મામલો ઉઘાડો પડી ગયો હતો, જેથી પોલીસે અદાલતમાં ચાર્જશીટ કરતી વખતે પોલીસ સમક્ષ ખોટું નામ દર્શાવવા બદલ કલમ ૬-એ હેઠળ નો ઉમેરો કરવામાં આવશે તેમ તપાસનીશ અધિકારીએ કહ્યું છે.