Mysamachar.in-અમરેલીઃ
તો થર્ટી ફર્સ્ટ આવી ગઇ છે. યુવાધન મોજશોખથી જૂના વર્ષને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા થનગની રહ્યાં છે. તો યુવાધન સિવાય સમાજમાં એક વર્ગ એવો પણ છે જે પોતાની રીતે થર્ટીફર્સ્ટની ઉજવણી કરવા તૈયાર છે. આ વર્ગનું નામ છે 'પ્યાસીઓ'. ગુજરાતમાં દારૂબંધી હોવાથી આ વર્ગ ઘણો નારાજ છે, પરંતુ ભૂતને પીપળો જડી રહે તેમ પ્યાસીઓએ પણ પોતાની વ્યવસ્થા કરી જ લેતા હોય છે. થર્ટીફર્સ્ટના દિવસે આ વર્ગનો દીવમાં 'કુંભમેળો' ભરાય છે. જો કે આ વર્ગના કેટલાક યુવાનો ડમડમ થઇને ગુજરાતમાં પ્રવેશ કરી બેસે છે, જેના કારણે તેઓને જેલની હવા ખાવાનો પણ વારો આવે છે. આવું જ બન્યું છે સોમવારે અમરેલીમાં.
દીવથી પાર્ટી મનાવીને આવતા કેટલાક શખ્સોની ધરપકડ કરી પોલીસે જેલ હવાલે કર્યા હતા. અમરેલીના રાજુલાના હિંડોરણા ચોકડી પાસેના ચારનાળા વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું, તે દરમિયાન પોલીસે આરોપીઓને નશામાં પકડી પાડ્યાં હતા. 26થી વધુ નશાખોરો દિવથી પાર્ટી કરીને આવતા હતા ત્યારે રાજુલા પોલીસે ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યાં હતા. જેમાંના મોટા ભાગના શખ્સો અમદાવાદ અને વડોદરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.