Mysamachar.in-ગુજરાત:
એક તરફ રિઝર્વ બેન્ક દેશવાસીઓને ચેતવણીઓ આપી રહી છે કે, દેશમાં પર્સનલ લોન્સનું પ્રમાણ ચિંતાપ્રેરક બની રહ્યું છે. અને, આંકડાઓ કહે છે- પર્સનલ લોન્સનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. બેફામ લોન્સ પાછળના મહત્ત્વના કારણો એવા છે કે, એક તો મોંઘવારી અને ફૂગાવો સતત વધી રહ્યા છે અને લોકોની જીવન પદ્ધતિઓ બદલાઈ રહી છે, બધાંને બધું જ ખરીદી-વસાવી લેવું છે, હાથ પર બચત ન હોય તો પણ જરૂરિયાત સહિતના કારણોસર લોન્સ લઈને પણ અરમાનો પૂરાં કરવાનો ટ્રેન્ડ પણ છે.
દેશભરમાં લોકોએ રૂ. 40,00,000 કરોડની પર્સનલ લોન્સ લીધી. જેમાં રૂ. 2,75,000 કરોડ સાથે ગુજરાતીઓ પાંચમા ક્રમે છે. ગુજરાતીઓ દર વર્ષે વધુને વધુ પર્સનલ લોન્સ લઈ રહ્યા છે. વર્ષ 2022માં, વિધાનસભા ચૂંટણીઓના વર્ષમાં, ગુજરાતીઓએ વધુ લોન્સ લીધી. ગુજરાતીઓ સ્થાવર જંગમ મિલકતો વસાવવા બચત ઉપરાંતની ખૂટતી રકમ મેળવવા પણ લોન લઈ રહ્યા છે.
વર્ષ 2019માં ગુજરાતીઓએ રૂ. 1,41,871 કરોડની લોન લીધી. વર્ષ 2020માં આ પર્સનલ લોન્સનો આંકડો રૂ. 1,70,900 કરોડનો રહ્યો. વર્ષ 2021માં આ આંકડો રૂ. 1,95,114 કરોડનો થયા બાદ વર્ષ 2022માં આ આંકડો રૂ. 2,44,204 કરોડ થયો. અને, વર્ષ 2023માં ગુજરાતીઓએ લીધેલી પર્સનલ લોન્સનો આંકડો વધીને રૂ. 2,75,083 કરોડ થઈ ગયો.
દેશમાં સૌથી વધુ પર્સનલ લોન્સ મહારાષ્ટ્રના લોકોએ લીધી છે. બીજા ક્રમે કર્ણાટક અને ત્રીજા ક્રમે તામિલનાડુ છે. તેલંગાણા ચોથા અને ગુજરાત પાંચમા ક્રમે છે. આમ વર્ષ 2023માં સમગ્ર દેશમાં લોકોએ વિવિધ બેન્કોમાંથી કુલ રૂ. 40,00,000 કરોડની પર્સનલ લોન લીધી. આ આંકડો રિઝર્વ બેન્કને ચિંતાજનક લાગી રહ્યો છે. લોન રિકવરીના આંકડાઓ સાથે જાહેર કરવામાં આવ્યા નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, બેન્ક લોન્સ ખોટી થવાની શકયતાઓ પણ સૌ જાણે છે. RBIએ એટલે તો ચેતવણીઓ આપી. પર્સનલ લોન માટેના વ્યાજના દરો પણ ઉંચા છે, આમ છતાં લોન્સનું પ્રમાણ ચિક્કાર છે. દરેક લોનધારક માત્ર મજબૂરીને કારણે લોન ન લેતો હોય, અન્ય કારણો પણ હોય શકે. જેમાં કુંડાળાઓનો પણ સમાવેશ થઈ શકે છે.(તસ્વીર પ્રતિકાત્મક છે)