Mysamachar.in-જામનગર:
સરકારનાં નિયમોમાં ખૂબીની વાત એ છે કે, ગુન્હો કરનાર આરોપીઓની ઓળખ સરકારી તંત્ર છતી કરી શકતું નથી.! જામનગર તોલમાપ વિભાગે આમ જણાવ્યું છે. જામનગર જિલ્લા તોલમાપ વિભાગે જણાવ્યું છે કે, ઈ-કોમર્સનો વ્યાપ વધ્યો છે અને ઓનલાઇન વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરતી કંપનીઓ દ્વારા ગ્રાહકો સાથે જુદા-જુદા પ્રકારની છેતરપિંડી કરવામાં આવી રહી હોવાની ફરિયાદો અને રજૂઆતોને પગલે જામનગર શહેર અને જિલ્લામાં વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન તપાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં કેટલીક કંપનીઓ અને એકમો ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાનું રેકર્ડ પર આવતાં આવાં એકમો અને કંપનીઓ વિરુદ્ધ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી છે અને આવાં ધંધાર્થીઓ પાસેથી ગુન્હા માંડવાળ ફી વસૂલવામાં આવી છે. આ રીતે તંત્રએ કુલ રૂ.6,22,700ની વસૂલાત કરી છે.કુલ 125 એકમો અને કંપનીઓમાં અનિયમિતતાઓ, ગેરરીતિઓ અને છેતરપિંડી ધ્યાનમાં આવી છે.
Mysamachar.in સાથેની વાતચીતમાં અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારનાં નિયમ અનુસાર આ પ્રકારના કસૂરવાર ધંધાર્થીઓ પાસેથી ગુન્હા માંડવાળ ફી વસૂલવામાં આવે છે પરંતુ તેઓનાં નામો દફતરે કરવામાં આવે છે એટલે કે, જાહેર કરવામાં આવતાં નથી. આરોપીઓની ઓળખ છતી ન કરવાનો આ નિયમ પોતે જ ગુન્હેગારોને પ્રોત્સાહન આપનારો પૂરવાર થઈ રહ્યો છે ! કેમ કે, ગ્રાહકો અને સરકાર સાથે છેતરપિંડી આચરતાં આવાં તત્વોનાં નામો જાહેર ન કરવા એવો સરકારનો ખુદનો નિયમ છે ! આ સ્થિતિમાં ગ્રાહકોને કેવી રીતે ખ્યાલ આવે કે, ફલાણો ધંધાર્થી ગ્રાહકોને છેતરે છે. અને, આ સરકારી કવચને કારણે કસૂરવાર ધંધાર્થીઓ ગુન્હા માંડવાળ ફી ભરી પોતાની ઓળખ છૂપી રાખી શકે છે ! આ પ્રકારના તત્વો આવી ફી ભરી દીધાં પછી પણ પોતાની ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલુ નહીં રાખે, તેની શું ખાતરી ?! એ પ્રશ્ન પણ ગંભીર લેખી શકાય.
તાજેતરમાં જામનગર જિલ્લામાં તોલમાપ વિભાગ દ્વારા જે કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તે પૈકી એક કંપની ઓનલાઇન માધ્યમથી વેલનેસ પ્રોડક્ટ વેચે છે. આ કંપનીનું નામ ઈદમ નેચરલ વેલનેસ છે અને તેની પ્રખ્યાત બ્રાંડનું નામ બેલાવિટા છે. ગેરરીતિઓ સબબ આ કંપનીએ સરકારમાં રૂ.1,25,000 ભરવા પડયા છે. આ ઉપરાંત અન્ય એક કસૂરવાર કંપની ઓનલાઇન કૃષિ ખાતરનું વેચાણ કરે છે. ગુજરાત એગ્રો કેમિકલ પ્રા. લિ. નામની આ કંપનીએ ગેરરીતિ પકડાઈ જતાં સરકારી તિજોરીમાં રૂ.1,00,000 જમા કરાવવા પડ્યા છે. ઓનલાઇન વેચાણ થતી તમામ ચીજો અને વસ્તુઓનાં ફોટા અને વેચનારનું એડ્રેસ-સંપર્ક નંબર વગેરે ઓનલાઇન જાહેર કરવું ફરજિયાત છે.