Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા વર્ષ 2023-24નો PGI ( performing grading index) રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. દેશના તમામ રાજયોના તમામ જિલ્લાઓનું આ રિપોર્ટમાં આકલન કરવામાં આવ્યું છે. આ આકલન કરતી વખતે લર્નિંગ આઉટકમ એન્ડ કવોલિટી, ઉપલબ્ધિઓ, ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ફેસિલિટીઝ, ગવર્નન્સ પ્રોસેસ, અસરકારક વર્ગખંડ અને શાળા સુરક્ષા, બાળ સુરક્ષા તેમજ ડિજિટલ લર્નિંગ સહિતના મુદ્દા ધ્યાન પર લેવામાં આવ્યા હતાં.
આ આકલનના આધારે જે પરિણામો સામે આવ્યા, તેના આધારે ગુજરાતના તમામ 33 જિલ્લાઓના સ્કોર અને રેન્ક જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં જામનગર સૌથી છેલ્લા ક્રમે રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો છેલ્લેથી બીજા ક્રમે છે. જામનગરને 600માંથી 304 અને દ્વારકાને 307 માર્ક જ પ્રાપ્ત થયા છે. સૌથી વધુ માર્ક જૂનાગઢને 335 પ્રાપ્ત થયા છે. રાજકોટ પણ જૂનાગઢથી પાછળ રહ્યું છે.
આ રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ, ગુજરાતમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને જે અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે, તે સમજવામાં અને વ્યક્ત કરવામાં વિદ્યાર્થીઓ નબળા જણાયા છે. ગુજરાતને લર્નિંગ આઉટકમમાં 240માંથી માત્ર 60 માર્ક જ પ્રાપ્ત થયા. જે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની સૌથી મોટી ખામીને ઉજાગર કરે છે. ગુજરાત સરકાર શિક્ષણ પાછળ વર્ષે રૂ. 55,000 કરોડનો ખર્ચ કરે છે અને આ સર્વેમાં ગુજરાતને સરેરાશ શિક્ષણમાં 61 ટકા જ પ્રાપ્ત થયા છે. ચંદીગઢ અને પંજાબ પહેલાં બીજા ક્રમે છે, ગુજરાત ચોથા ક્રમે છે.