Mysamachar.in: અમરેલી:
સરકારી કામકાજ ઘણી વખત એવા પ્રકારના જોવા મળતાં હોય છે કે, લોકોને સરકારી અધિકારીઓની બુદ્ધિ અંગે શંકાઓ જાગે અથવા સંબંધિત અધિકારીઓની જડતા પ્રત્યે નફરત અથવા ગુસ્સો આવી જાય, આવી એક વાત અમરેલી જિલ્લામાં બની છે. સરકારી તંત્રએ એક ખેડૂત પાસેથી સરકારી લેણાં તરીકે બાકી રોકાતો 1 રૂપિયો વસૂલવા 5 રૂપિયાની ટિકિટ ચોંટાડીને નોટિસ મોકલાવી છે. અને આ નોટિસ આપતાં અગાઉ તંત્ર 7 વર્ષ સુધી ઉંઘતું હતું, પછી નિંદરમાંથી જાગી, અચાનક આ નોટિસ આપી અને 20 કિલોમીટર છેટે રહેતાં ખેડૂતને નાણાં ખર્ચી અદાલતમાં હાજર રહેવા આદેશ કર્યો, જેને કારણે અમરેલી જિલ્લા સહિતના જિલ્લાઓમાં વીજતંત્રની આ લઘરવઘરશાહીની ટીકાઓ થઈ રહી છે.
આ ખેડૂતે 7 વર્ષ અગાઉ પોતાના ખેતરમાં વીજજોડાણ રદ્દ કરાવેલું, જે અનુસંધાને વીજતંત્રએ બાકી લેણાં તરીકે રોકાતો 1 રૂપિયો વસૂલવા આ નોટિસ આપી અને ખેડૂતને કહયું કે, આ કેસ પૂરો ન થાય ત્યાં સુધી ખેડૂતે અમરેલી જિલ્લાની વડિયાની અદાલતમાં હાજર રહેવું. આ એક રૂપિયાનો કેસ પૂર્ણ કરવા આ ખેડૂતે વાહન મારફત વડિયા અદાલત સુધી આવ-જા કરવાની. નવાઈની વાત એ છે કે, આ પ્રકારના મામલા અંગે ઉચ્ચ અધિકારીએ નીતિ વિષયક જવાબ અથવા આ પરચૂરણ મામલાના સમાધાનની દિશામાં જવાબ આપવાને બદલે પત્રકારોને ઉડાઉ જવાબો આપ્યા.
નવાઈની વાત એ છે કે, પાછલાં 7 વર્ષમાં કયારેય આ ખેડૂતને વીજતંત્રએ નોટિસ આપી નથી, બાકી રોકાતો 1 રૂપિયો વસૂલવા કયારેય ઉઘરાણી કરી નથી અને હવે વીજતંત્રને આ 1 રૂપિયાની બાકી ઉઘરાણી યાદ આવી, બીજી તરફ વીજતંત્રએ ઘણાં બધાં બાકીદારો પાસેથી કરોડો રૂપિયા વસૂલવાના લાંબા સમયથી બાકી જ છે, તેમાં તંત્ર ઉતાવળ દેખાડતું નથી.