Mysamachar.in:જામનગર
સૌનો સામાન્ય અનુભવ એવો રહ્યો છે કે, જ્યાં પણ ઉદ્યોગો હોય, ત્યાં ઘણાં પ્રકારના દૂષણ-પ્રદૂષણ ફૂલતા ફાલતા રહે છે. જેમાંનું એક દૂષણ છે હપ્તાખોરી. જો કે હપ્તાખોરીમાં વળી પેટા પ્રકારો હોય શકે છે ! જામનગરનાં દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આ પ્રકારની એક હપ્તાખોરીના સમાચાર છે !
Mysamachar.in સાથે સંકળાયેલા એક વાંચક જણાવે છે : દરેડ ઉદ્યોગનગર ફેઈસ થ્રીમાં હપ્તા વસૂલવામાં આવે છે ! આ ઉદ્યોગનગરમાં દર શુક્રવારે રજા હોય છે. શુક્રવારે હજારો કામદારો અને કારીગરો માટે ખરીદીનો દિવસ હોય છે. તેથી આ દિવસે અહીં વિશાળ ગુજરીબજાર ભરાય છે. જેમાં સેંકડો લારીધારકો અને પાથરણાંવાળા પેટીયું રળવા આવતાં હોય છે. આ નાનાં ધંધાર્થીઓ પાસેથી ત્રણ-ચાર શખ્સો દર શુક્રવારે હપ્તા ઉઘરાવી જતાં રહે છે ! આ શખ્સો દર સપ્તાહે અંદાજે પાંચેક આંકડામાં કમાય છે. એક અંદાજ મુજબ, આ ગેંગ શુક્રવારે પચ્ચીસ ત્રીસ હજારથી વધુ ‘છાપી’ લ્યે છે !
ટૂંકમાં, મહિને છ આંકડાની રકમ ! આ શખ્સો નજીકનાં ગામનાં રહેવાસી હોવાની ચર્ચા છે ! Mysamachar.in ને દર્શક દ્વારા મોકલવામાં આવેલો આ વીડિયો અને વિગતો ખરાં છે કે કેમ ? તેની સત્તાવાળાઓએ તપાસ કરવી જોઈએ. અને જો આ વાત સાચી જ હોય તો, પોલીસે આવાં તત્ત્વોને જેર કરવા જોઈએ એવી લાગણી આ વીડિયો મેટરમાં વ્યક્ત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર ગુરૂવારે રાત્રે આ ઉદ્યોગનગરોના વિસ્તારોમાં જૂગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ પણ વ્યાપક પ્રમાણમાં થતી હોવાની ચર્ચા લાંબા સમયથી સાંભળવા મળે છે. આ સંબંધે પણ સંબંધિત સત્તાવાળાઓએ પેટ્રોલિંગ વ્યાપક બનાવવાની જરૂર હોવાનું ઘણાં લોકો કહેતાં હોય છે.