Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
રાજ્યના છેવાડે આવેલો દેવભૂમિ દ્વારકા જિલ્લો જુદી-જુદી બાબતોમાં તકલીફોનો અહેસાસ કરી રહ્યો છે. એમાંયે ખાસ કરીને શિક્ષણની બાબતમાં આ જિલ્લાને ઘણું સહન કરવું પડી રહ્યુ છે. આ પ્રકારના એક મુદ્દાને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા છેક CMને પત્ર પાઠવવો પડ્યો છે કારણ કે, રાજ્યનો શિક્ષણ વિભાગ આ જિલ્લામાં એક્ટિવ ન હોવાની સ્થિતિઓ જોવા મળી રહી છે.
દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ CMને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે, આ જિલ્લામાં ‘ભણશે ગુજરાત’ સૂત્રની સ્થિતિ અત્યંત ચિંતાપ્રેરક છે. આ જિલ્લામાં શિક્ષકોનું મહેકમ 3,150 નું છે. જે પૈકી 1,550 શિક્ષકની ઘટ છે. એટલે કે મહેકમ કરતાં અડધા જ શિક્ષકો છે. જે 1,600 શિક્ષક છે તે પૈકી અડધા શિક્ષકો તો શિક્ષણ સિવાયની અન્ય કામગીરીઓમાં રોકાયેલા છે. એટલે કે, 3,150 શિક્ષકોના મહેકમ સામે માત્ર 800 શિક્ષક જ શિક્ષણ આપી શકે છે.
પત્રમાં વધુમાં જણાવાયું છે કે, 1,300 શિક્ષકની ઘટ છે અને અન્ય 250 શિક્ષકોએ જિલ્લાફેર બદલીઓ માંગી લીધી છે એટલે તેઓ ગમે ત્યારે આ જિલ્લો છોડી જતાં રહેશે. આથી જિલ્લામાં કાયમી શિક્ષકોની તાત્કાલિક ભરતીઓ કરવી જોઈએ અથવા જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતીઓ ન થાય ત્યાં સુધી સ્પેશિયલ કેસ તરીકે આ જિલ્લામાં હાલ ખાસ શિક્ષકોની ભરતીઓ તાકીદે કરવી જોઈએ. આ જિલ્લામાં સરકારના ‘રમશે ગુજરાત’ સૂત્રની સ્થિતિઓ પણ સારી નથી કેમ કે, આટલા શિક્ષકોની ઘટ હોય ત્યાં વિદ્યાર્થીઓને રમાડશે કોણ ? એમ પણ આ પત્રમાં પૂછવામાં આવ્યું છે.