Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટરે પણ પોતાની સતર્કતા બતાવી છે અને ઓફીસ છોડી સીધા ગ્રાઉન્ડ પર એટલે કે જીલ્લાના તમામ પુલોની સ્થળ તપાસ કરવા અધિકારીઓને સાથે લઈને પહોચ્યા છે, રાજ્યના નાગરિકોને માર્ગો પર અવરજવર કરવામાં કોઈ પણ પ્રકારની અગવડતાઓ ન આવે અને તેઓને સલામત મુસાફરી કરી શકે તે રાજ્ય સરકારનો જે અભિગમ છે તેને લઈને દ્વારકા જીલ્લા કલેકટર તન્નાએ પણ આજે દિવસભર વિવિધ મુલાકાતો લીધી છે.
જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ પુલો જેવા કે, જામનગર – લાલપુર – પોરબંદર રોડ પર આવેલ માઈનોર બ્રીજ, કલ્યાણપુર – ચુર – ભાડથર રોડ પર આવેલ માઈનોર બ્રીજ તથા બેહ વડત્રા રોડ પર આવેલ માઈનોર બ્રીજ સહિતના પૂલની માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ તપાસ કરી હતી. તેમજ જરૂર જણાયે પુલોના સમારકામ માટે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
ઉપરાંત કલેકટર દ્વારા જોખમી પુલો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવા, બેરીકેટિંગ કરવા તેમજ તકેદારીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી હતી. કલેકટરની મુલાકાત વેળાએ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ચૌધરી, પ્રાંત અધિકારી કે.કે.કરમટા સહિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.