Mysamachar.in-છોટાઉદેપુર:
લહેરાતા ખેતરની વચ્ચે મકાઈની છોડોમાં નશાની ખેતીનો ઉછેર થઇ રહ્યો હોવાની માહિતી પરથી પોલીસ લીલા ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, વાત છે છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર ગામેની…જ્યાંથી વધુ એકવાર લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે. છોટાઉદેપુર જિલ્લામાં SOGએ બાતમી આધારે મીઠીબોર ગામે રેડ કરતા મીઠીબોર ગામના દુણ ફળીયા વિસ્તારમાં છગન રંગલા નાયકાના ખેતરમાં મકાઈના પાકની સાથે વચ્ચે લીલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ 76 લીલા ગાંજાના છોડ ઉખેડી જપ્ત કર્યા છે. જેનું વજન 66.440 kg અને કિંમત રૂપિયા 6,64,400/- હતો.
છોટાઉદેપુર પોલીસે તમામ મુદ્દામાલ રેડ દરમિયાન જપ્ત કર્યો છે. જોકે, રેડ દરમિયાન મૂળ આરોપી છગન નાયકા ફરાર થઈ ગયો હતો. જેની સામે ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મીઠીબોર ગામેથી અનેક વખત લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે. પોલીસે છેલ્લા 6 માસમાં બેકરોડ ઉપરાંતનો લીલો ગાંજો ઝડપ્યો છે.