Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જ્યાં વર્ષ દરમ્યાન દેશવિદેશોમાંથી લાખો યાત્રાળુ અને સહેલાણીઓ આવી રહ્યા છે, એ જગ વિખ્યાત યાત્રાધામ દ્વારકાનગરીમાં રખડતાં પશુઓ અને આખલાઓનો ત્રાસ ઘણાં સમયથી સળગતો મુદ્દો રહ્યો છે. આખરે આ મામલો રાજ્યની વડી અદાલતમાં પહોંચી જતાં અદાલતે પાલિકાને જવાબ રજૂ કરવા કહ્યું છે.
દ્વારકાનગરીની આ સળગતી સમસ્યા મામલે વડી અદાલતમાં જાહેર હિતની રિટ અરજી થઈ છે. આ અરજીની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠ દ્વારા થઈ રહી છે. ખંડપીઠે અરજદારની રજૂઆત સાંભળી લીધાં બાદ દ્વારકા પાલિકાને 2 સપ્તાહમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે.
વડી અદાલત સમક્ષની રિટમાં અરજદારે જણાવ્યું છે કે, છેલ્લા ઘણાં સમયથી દ્વારકા શહેરમાં રખડતાં પશુઓ અને આખલાના ત્રાસની સ્થિતિઓ છે. આ પશુઓ યાત્રીઓ, પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો પર હુમલા કરે છે. પશુઓની આંતરિક લડાઈમાં પણ લોકોએ સહન કરવું પડે છે. અકસ્માત થાય છે. લોકોના આથી મોત પણ થયા છે. આમ છતાં દ્વારકા પાલિકા સહિતના સંબંધિત સત્તાવાળાઓ દ્વારા કોઈ કાર્યવાહીઓ કરવામાં આવતી નથી.
આ સુનાવણી દરમ્યાન દ્વારકા પાલિકાએ પોતાનો બચાવ રજૂ કરતાં જણાવ્યું કે, પાલિકા દ્વારા સમયાંતરે આખલાઓને પકડી લેવા ડ્રાઈવ યોજવામાં આવે છે. ખાનગી એજન્સીને તેનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે. જો કે અરજદારે અદાલત સમક્ષ સાફ શબ્દોમાં જણાવ્યું કે, પાલિકાએ કરેલો બચાવ માત્ર કાગળ પરની વાતો છે. બુનિયાદી સ્તરે કોઈ કામગીરીઓ થતી નથી.
વડી અદાલતે કહ્યું: દ્વારકા ખૂબ મહત્ત્વનું યાત્રાધામ અને પ્રવાસન સ્થળ છે. આખલાઓને કારણે નિર્દોષ લોકોના જિવ ગયાનું પણ રેકર્ડ પર આવ્યું છે. આથી, આ સમસ્યાઓના નિવારણ માટે પાલિકાએ અત્યાર સુધીમાં શું પગલાંઓ લીધાં તે અંગે પાલિકાના ચીફ ઓફિસરે બે સપ્તાહની અંદર વડી અદાલત સમક્ષ જવાબ દાખલ કરવાનો રહેશે.(ફાઈલ તસ્વીર)





