Mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્યની સાથે-સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આજથી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓનો આરંભ થયો છે. જામનગર શહેર જિલ્લામાં કુલ 28,417 પરીક્ષાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12 માં નોંધાયેલા છે. આ તમામ પરીક્ષાર્થીઓ માટે બેઠક ક્રમાંક નિહાળવા અને સ્કૂલ વ્યવસ્થા સમજવા કાલે રવિવારે બપોરે 02-30 થી 05-00 વાગ્યાનો સમય નિર્ધારીત કરવામાં આવ્યો હતો. આજે સવારે 09-00 વાગ્યા પહેલાં જ સેંકડો પરીક્ષાર્થીઓ પરીક્ષાકેન્દ્રો પર આવવાનું શરૂ થઈ ગયું હતું.
જામનગર જિલ્લામાં ધો. 10 માં 16,885 પરીક્ષાર્થીઓ નોંધાયેલા છે. ધો. 12 વિજ્ઞાનપ્રવાહમાં ગ્રૂપ-એ માં 701 અને ગ્રૂપ-બી માં 1,375 મળી કુલ 2,076 પરીક્ષાર્થીઓ નોંધાયેલા છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં નોંધાયેલા કુલ ઉમેદવારોની સંખ્યા 9,456 છે. CCTV કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શહેર તથા જિલ્લામાં આ બોર્ડ પરીક્ષાઓનો શાંતિપૂર્ણ વાતાવરણમાં આરંભ થઈ ગયો છે.આજે જામનગર ધારાસભ્ય દિવ્યેશ અકબરી પણ પરીક્ષાકેન્દ્ર ખાતે પહોચ્યા હતા જ્યાં વિદ્યાર્થીઓને આવકારી અને તેવોને શુભકામનાઓ પાઠવી હતી.