Mysamachar.in-સુરત
આપણે જે ફોનનો વપરાશ કરી રહ્યા હોય અને તે ફોનમાં જો ખામી સર્જાય તો તુરંત જ આપણે ફોન રીપેરીંગ કરનારની દુકાને પહોચી ત્યાં ફોન રીપેરીંગ માટે આપીએ છીએ, પણ શું તમે જે જગ્યાએ ફોન રીપેરીંગ માટે આપો છો તે સુરક્ષિત છે…? આ સવાલ એટલા માટે કે એક વેપારીનો ફોન બંધ થયા બાદ તે રીપેરીંગમાં આપી આવ્યા અને છેતરપીંડીનો ભોગ બન્યા…. પોતાના ફોનમાં નેટવર્ક આવતું ન હોવાથી મોબાઇલની દુકાનમાં ચેક કરાવવા જવાનું ટોબેકોના વેપારીને 54 હજારમાં પડયું છે. આ કેસમાં સાયબર ક્રાઇમે બે શખ્સની ધરપકડ કરી છે. પાંડેસરા ઈશ્વર નગરમાં રહેતા ટોબેકોના વેપારી વિજય બાબા પ્રસાદ ચૌરસીયાના ફોનમાં અચાનક નેટવર્ક આવતું બંધ થયું હતું. જેના કારણે પાંડેસરામાં મહાવીર મોબાઇલમાં શોપમાં ફોન ચેક કરાવવા જતા મુકી જવાનું કહ્યું હતું.
આથી સીમકાર્ડ સાથે ફોન મુકીને ગયા એટલામાં બન્ને શખ્સોએ વેપારીનો ફોન નંબર અન્ય કંપનીમાં પોર્ટ કરાવી દીધો હતો. બન્ને શખ્સોને ખબર હતી કે, વેપારીના બજાજ ફાઈનાન્સમાંથી ઓનલાઇન લોન મળી શકે છે. જેથી બન્ને શખ્સોએ પોર્ટ કરેલા મોબાઇલ નંબરથી બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી ઓનલાઇન એમેઝોન પરથી 53,999ની કિંમતનો મોબાઇલ લોન પર ખરીદી લીધો હતો. પછી બોક્ષ પેક મોબાઇલ બારોબાર વડોદરામાં રહેતા વ્યકિતને વેચ્યો હતો. વેપારીનો કોઈ લોન લીધી ન હોય છતાં બેંકમાંથી હપ્તા કપાતા સમગ્ર કૌભાંડ બહાર આવતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરી વડોદરામાં રહેતા વ્યકિત પાસેથી મોબાઇલ કબજે કરી સંદીપ અર્જુન સિંહ અને વાજીદ સરીફ કચ્છાવાની ધરપકડ કરી છે.