Mysamachar.in-અમરેલી
રાજ્યના મેટ્રોસીટી તો ઠીક પણ નાના નાના શહેરોમાં પણ હનીટ્રેપની માયાજાળ દિવસે ને દિવસે વધુ ફેલાઈ રહી છે, યુવતીએ હાઈ ડાર્લિંગ લખીને મોકલાવેલ મેસેજનો જવાબ આપવો એક બેંક કર્મચારીને કેવો ભારે પડ્યો તેનો કિસ્સો અમરેલીમાં સામે આવ્યો છે, અમરેલીના લીલીયાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને બેન્કના ઈન્શ્યોરન્સ વિભાગમાં નોકરી કરતાં કર્મચારીને જૂનાગઢની યુવતીએ પ્રેમજાળમાં ફસાવીને મળવા માટે બોલાવ્યા બાદ બે શખ્સોએ અપહરણ કરીને રૂપિયા 5 લાખની ખંડણી માગી દોઢ લાખ રૂપિયા પડાવ્યાનો આ કિસ્સો પોલીસ ફરિયાદ સુધી પહોચ્યો છે,
ભોગ બનનાર વ્યક્તિ અમરેલી ખાતે આવેલ એક બેંકમાં ઈન્શ્યોરન્સ વિભાગમાં બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે, અને પોલીસ સમક્ષ પોતાની આપવીતી વર્ણવતા કહ્યું કે, એક મહિલા દ્વારા તેને વોટ્સએપ પર હાય ડાર્લિંગ લખીને સંપર્ક કર્યા હતો જે બાદ બંને વચ્ચે વાતોનો દોર શરૂ થયો હતો. મહિલાએ પોતાનું નામ મનિષા પટેલ હોવાનું જણાવ્યું હતું. તેણે અમરેલીના બાબાપુર ગામે મળવા માટે બોલાવ્યા બાદ બંને બાઈક પર બેસીને ધારી તરફ જતાં હતા ત્યારે કારમાં આવેલાં બે અજાણ્યા શખ્સોએ તેને માર મારીને બળજબરીથી નંબર પ્લેટ વગરની કારમાં અપહરણ કર્યું હતું.
આરોપીએ યુવતી સાથેના તેના ફોટા અને વીડિયો માટે તેને હોટેલમાં લઈ જઈને નગ્ન ફોટા પડાવી બદનામ કરશે અને બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવશે તેવી અને પતાવી દેવાની ધમકી આપીને રૂપિયા 5 લાખની ખંડણી માગી હતી. જે બાદ બેંક કર્મચારીએ પોતાના મિત્રોને ફોન કરીને રકમ માગીને અમુક રકમની વ્યવસ્થા કરાવી આપી હતી. અને આરોપીઓએ 1 લાખ પાંચ હજારની રકમ પડાવીને છોડી દીધો હતો. બાદમાં પણ તેઓ વારંવાર ફોન કરીને વધારે રકમ માટે ધમકીઓ આપતા હતા. આ કેસમાં યુવાનની ફરિયાદ પરથી અમરેલી તાલુકા પોલીસ દ્વાર ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.


























































