Mysamachar.in-વલસાડ:
વલસાડમાં વર્ગ-2 ના અધિકારી તરીકે ફરજ બજાવતો આસીસ્ટન્ટ ઇલેકટ્રીકલ ઇન્સ્પેકટર તેની કચેરીમાં 20,000ની લાંચ લેતા એસીબીને હાથ ઝડપાઈ ગયો છે.આ કેસના ફરીયાદી ઇલેકટ્રીક કોન્ટ્રાકટનું લાયસન્સ ધરાવે છે અને ખાનગી કંપનીઓ પાસેથી ઇલેકટ્રીકને લગતા કામો રાખે છે. અને ફરીયાદીએ એક ખાનગી કંપનીએ કરેલ બાંધકામમાં ઇલેકટ્રીક ઇન્સ્ટોલેશન કરવા માટેનું કામ રાખેલું જે કામ બાબતે જરૂરી કાર્યવાહી કરી જરૂરી દસ્તાવેજો સાથે આસીસ્ટન્ટ ઇલેકટ્રીકલ ઇન્સ્પેકટરની કચેરી વલસાડ ખાતે રીપોર્ટ આપેલ.
જે અનુસંધાને અમિતકુમાર કાંતિલાલ પટેલ, આસીસ્ટન્ટ ઇલેકટ્રીકલ ઇન્સ્પેકટર, વલસાડવાળાએ સ્થળ વિઝીટ કરી ઇન્સ્પેકશન કરેલ હતું. ફરીયાદીએ ઇન્સ્પેકશનનું પ્રમાણપત્ર મેળવવા તેમજ આ ઉપરાંત અન્ય એક ખાનગી કંપનીમાં વાર્ષિક ઇલેકટ્રીક ઇન્સ્ટોલેશન ઇન્સ્પેકશન રીપોર્ટ ઉપર સહી સિક્કા કરાવવાની કાર્યવાહી કરેલી. ગઇ તા.18/7/2022 ના રોજ ઉપરોકત કામો બાબતે ઇન્સ્પેકશન પ્રમાણપત્ર અને વાર્ષિક ઇલેકટ્રીક ઇન્સ્ટોલેશન ઇન્સ્પેકશન રીપોર્ટ ઉપર સહી સિક્કા કરાવવાના અવેજ પેટે અમિતકુમાર કાંતિલાલ પટેલેકુલ રૂપિયા-20,000 ની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ જે ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા આરોપીએ પોતાની ઓફીસમાં ફરીયાદી પાસે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ચુક્યો હતો.



























































