Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સંલગ્ન તમામ વિભાગના અધિકારીઓ સાથે સાંસદએ કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ વિભાગોની કામગીરી અને સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અધિકારીઓને માર્ગદર્શક સૂચનો કર્યા હતા. પૂનમબેન માડમે બેઠકમાં લેવાયેલ નિર્ણયોની ચુસ્ત અમલવારી થાય તેમજ સમયાંતરે અધિકારીઓ દ્વારા પડતર પ્રશ્નોનું ફોલો-અપ લેવાય તે માટે સાંસદએ સૂચન કર્યુ હતું.
આ તકે સાંસદએ જિલ્લાના વિકાસ માટેના પ્રશ્નો વિશે આ બેઠકમાં ફળદાયી ચર્ચા-વિમર્શ કરી તાલુકા-જિલ્લા સ્તરે સંકલન સાધીને ત્વરિત નિરાકરણ લાવીને જિલ્લાને વિકાસના પથ પર અગ્રેસર રહેવા આપણે સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ તેમ જણાવ્યું હતું. ઉપરાંત, આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૦૨ ઓકટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં જનસમુદાયની ભાગીદારી સુનિશ્ચિત કરી મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપીએ. તેમજ સાંસદએ જન પ્રતિનિધિઓ દ્વારા લોકોની વિવિધ માંગણીઓને લઈને જે રજૂઆતો કરવામાં આવે છે તેનું હકારાત્મક નિરાકરણ લાવવા અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
બેઠકમાં સાંસદએ નેશનલ હાઇવે, ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ, જિલ્લામાં શિક્ષકોની ઘટ અંગે, વીજ પુરવઠો નિયમિત કરવા, ટ્રેનના સ્ટોપેજ અંગેની લોકોની રજૂઆતો,રોડ-રસ્તાઓ સહિત વિવિધ મુદાઓ પર વિસ્તૃત ચર્ચા કરી લોક પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે સંબધિત વિભાગોને કહ્યું હતું.
આ બેઠકમાં કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.પી.જોશી, જિલ્લા પંચાયતના સદસ્યઓ, તાલુકા પંચાયતના પ્રમુખઓ સહિતના આગેવાનો તથા ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યોઓ તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
