Mysamachar.in-અમરેલી:
અમરેલી જીલ્લામાં સામે આવેલ એક કિસ્સો માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. નાના બાળકો રમત રમી રહ્યાં હતાં. રમતા રમતા બાળકોના હાથમાં વાડીમાલિકની કારની ચાવી આવી ગઈ અને એ ચાવીથી કારનો દરવાજો ખોલીને બાળકો અંદર બેસીને રમી રહ્યાં હોય છે.એવામાં કારના દરવાજા લોક થઇ ગયા અને બાળકોનો શ્વાસ રૂંધાઇ જતા મોતને ભેટ્યા છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી તાલુકાના રાંઢીયા ગામમાં કારમાં ગુંગળાઈ જવાથી 4 બાળકોના મોત થયા છે. બાળકો રમતા રમતા કારમાં પહોંચી ગયા હતા. કારનો દરવાજો લોક થઈ ગયો અને બાળકો બહાર જ ના નીકળી શક્યા. પરપ્રાંતીય પરિવારના 4 બાળકોના મોત થતા અરેરાટી પ્રસરી જવા પામી છે, એક જ પરિવારના 2 દીકરી અને 2 દીકરાના ગૂંગળાઈ જવાથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ શરુ કરી છે.
આ બાળકો રમત રમતમાં બાળકો ચાવીથી કાર ખોલી અંદર બેસી ગયા હતા. જે બાદ કાર થોડીવારમાં ઓટો લોક થઈ ગઈ હતી. જેના કારણે કારમાં જ ગૂંગળાઈ જવાથી તમામ બાળકોના મોત થયા છે. માતા-પિતા ઘરે ન હોવાથી ભૂલકાં રિબાઈ રિબાઈને મોતને ભેટ્યા હતા. તમારા ઘરે પણ કાર પડી રહેતી હોય તો સાવચેતી રાખવાની અતિ જરૂર છે.
ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, અમરેલીના રાંઢીયા ગામમાં ભરતભાઈ માંડાણીના ખેતરમાં ખેત મજૂરી કરતાં મધ્યપ્રદેશના સોબીયાભાઇ મછારને સાત બાળકો છે. ગત બે તારીખ અને શનિવારના રોજ સોબીયાભાઇ અને એમના પત્ની ખેત મજૂરી કરતાં હતા. જ્યારે એમના બાળકો ઘરે હતા. તે દરમિયાન વાડી માલિકની આઈ-20 કારને ચાવીથી ખોલીને એમના ચાર બાળકો રમવા ગયા હતા. આ દરમિયાન કાર લોક થઇ ગઇ હતી. સાંજે એમના માતા-પિતા ખેત મજૂરી કરીને ઘરે આવ્યાં. એ સમયે તેમણે બાળકોની શોધ કરી તો બાળકો બહાર પડેલી કારમાં હતા. ગુંગળાઈ જવાને કારણે ચાર બાળકોના મોત નિપજ્યાંની ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.