Mysamachar.in-જામનગર:
દરેક બિઝનેસને પોતાની એક મોનોપોલી અથવા વિશેષતા અને ખુદની વ્યૂહરચનાઓ હોય છે. જો કે, અહીં વાત ‘બિઝનેસ’ની નહીં, લોકોને સુવિધાઓ આપવા થનગનતી મહાનગરપાલિકાની છે, વાત વિકાસના નીતનવા આયોજનોની છે.
જામનગર મહાનગરપાલિકામાં અગાઉ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દર અઠવાડિયે થતી, પછી જનરલ બોર્ડની દર બે બેઠકો વચ્ચે સમયગાળો મોટો કરવા, મહાનગરપાલિકાએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનો સમયગાળો પણ સાપ્તહિક હતો તે પંદર દિવસનો કર્યો. પરંતુ આ વર્ષ ચૂંટણીઓનું છે અને નજીકના સમયમાં જ ચૂંટણીઓ છે. આથી હાલ સ્ટેન્ડિંગ કમિટીએ બેઠકનો સમય કશી જ જાહેરાત કર્યા વગર સાપ્તાહિક કરી નાંખ્યો.
ગત્ સપ્તાહે કમિટીએ શહેરના ખોડિયાર કોલોની મુખ્ય રોડને સિકસલેન બનાવવાની જાહેરાત કરી દીધી. આ માટે રૂ.15 કરોડના ખર્ચની જાહેરાત પણ કરી દીધી. જો કે, મહાનગરપાલિકા આટલેથી જ નથી અટકી, આજની કમિટીની બેઠકમાં બીજી બે મહત્વપૂર્ણ જાહેરાતો થઈ ગઈ.
કમિટીની બેઠકમાં એમ જાહેર કરવામાં આવ્યું કે, જામનગર નજીકના ચેલા ગામના સર્વે નંબર 724 વાળી જમીન પર હિંદુ સ્મશાન બનાવવામાં આવશે. આ માટે કમિશનર દ્વારા દરખાસ્ત તૈયાર કરી, કમિટી સમક્ષ મૂકવામાં આવતાં હાલ કમિટીએ આ કામનો સૈધાંતિક સ્વીકાર કરી લીધો છે.અને અંદાજે 6 કરોડના ખર્ચે અહી સ્મશાન બનશે
અત્રે ઉલ્લેખનિય છે કે, ઘણાં સમયથી શહેરમાં ત્રીજા સ્મશાનની વાતો, રજૂઆત અને વિવાદો ચાલી રહ્યા છે. અગાઉ એવી જાહેરાત થઈ હતી કે, રણજિતસાગર રોડ નજીક એક જગ્યામાં ત્રીજું સ્મશાન બનશે. આ માટે રાજ્ય સરકારમાંથી આગળ વધવા લીલી ઝંડી પણ મળી ચૂકી હતી. બાદમાં આ કામમાં ‘રોન’ કાઢવામાં આવી. અહીં તો ગાડામાર્ગ છે, તે બંધ ન થઈ શકે. વાત પૂરી. સમગ્ર પ્રોસેસ અને પ્રોજેક્ટ અભેરાઈ પર હળવે મૂકી દેવાયો.
હાલમાં ચૂંટણીઓ અગાઉ ફરી એક વખત ત્રીજા સ્મશાન માટેની ગતિવિધિઓ શરૂ થઈ. જો કે, આ લાલપુર બાયપાસ નજીકના વિસ્તારો માટે એક સ્મશાનની જરૂરિયાત તો ઘણાં વર્ષોથી છે જ કેમ કે, અહીં સંખ્યાબંધ રહેણાંક વિસ્તારો અને તેથી મોટી વસતિ વસવાટ કરી રહી છે. અને વસતિ આગામી વર્ષોમાં વધતી જ રહેશે.
આ ઉપરાંત જામનગર શહેરના પ્રથમ અને એકમાત્ર રિંગરોડને હવે નવેસરથી વાઘા પહેરાવવામાં આવશે. આ રિંગરોડને ગ્રીન રિંગરોડ જાહેર કરવામાં આવ્યો છે. સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ અને નંદનિકેતન સ્કૂલ થઈ બેડી બંદર જંકશન સુધીનો આ રોડ ગ્રીન રિંગરોડ બની જશે. અહીં આસ્ફાલ્ટ કાર્પેટ કરવામાં આવશે. અને સમગ્ર રોડને ગ્રીન રિંગરોડ તરીકે 20.76 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે. આ દરખાસ્ત પણ આજની કમિટીની બેઠકમાં કમિશનર તરફથી આવ્યા બાદ આ નિર્ણય જાહેર થયો છે. ટૂંકમાં, ચૂંટણીઓ એકદમ નજીક છે. નવા આયોજનોનો ‘વરસાદ’ વરસી રહ્યો છે, નગરજનો પલળવાનો આનંદ માણી શકે એવી વ્યવસ્થાઓ ગોઠવાઈ ચૂકી છે.






















































