Mysamachar.in-જામનગર:
જામનગરનો એક મિલમાલિક આરોપી જે અત્યાર સુધી રાજકીય અગ્રણી પણ હતો, તેની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ થયા પછી હવે જમીન મકાન સંબંધિત કુંડાળાઓ બાબતે પણ આ આરોપી વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. જામનગરમાં પંચવટી સોસાયટીની બાજુમાં મયૂરબાગમાં રહેતાં જમીન મકાનના દલાલ અશોક દેવશીભાઈ અકબરી(47)એ વિશાલ મહેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. આ ગુનાઓ પાછલાં 3 વર્ષ દરમ્યાન વિશાલ મહેન્દ્રભાઈ મોદી દ્વારા આચરવામાં આવ્યા છે, એમ આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
ફરિયાદીએ પોલીસમાં એમ જાહેર કર્યું છે કે, આરોપી વિશાલ મહેન્દ્રભાઈ મોદી આ ફરિયાદીની અલગઅલગ જગ્યાઓ પર આવેલી મિલકતોમાં ભાગીદાર છે, પાછલા 3 વર્ષ દરમ્યાન આરોપી વિશાલે આ ફરિયાદી તથા ફરિયાદીના ભાઈને અલગઅલગ જગ્યાઓ પર બોલાવ્યા હતાં. આરોપી વિશાલે આ ફરિયાદી તથા તેના ગ્રાહકોના અલગઅલગ જગ્યાઓ પર આવેલાં પ્લોટ તથા મૂડી છૂટા કર્યા નથી, ફરિયાદી તથા તેના ભાઈને માર માર્યો છે, ગાળો આપી છે, ટાંટિયા ભાંગી નાંખવાની તથા જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી છે, એમ આ ફરિયાદમાં જણાવાયું છે.
આ બધાં ગુનાઓ દરેડ ફેઈઝ-3, મસિતિયામાં આવેલી અપના ઈમ્પેક્સ ઓફિસમાં તથા દરેડ વિસ્તારમાં આવેલી ન્યૂ એરા કન્સ્ટ્રક્શન સાઈટ પર તથા આરોપીની બેડી વિસ્તારમાં આવેલી જનક ઓઈલ મીલ ખાતે આરોપીએ આચર્યા હતાં, એમ ફરિયાદમાં વધુમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા સમય અગાઉ આ આરોપી વિશાલ મહેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી, જે કેસમાં આરોપીએ પોલીસને તપાસમાં સહયોગ આપવો પરંતુ આરોપીની ધરપકડ કરી શકાશે નહીં, એવું આ અગાઉ વડી અદાલતે કહેલું. તે દરમ્યાન હવે આ જ આરોપી વિરુદ્ધ બીજો ગુનો ખુદ તેના ભાગીદારે દાખલ કરાવ્યો હોય, એમ દેખાઈ રહ્યું છે કે, આરોપીના વળતાં પાણી હવે શરૂ થઈ શકે છે, કારણ કે કોઈ પણ ભાગીદાર પોતાના અન્ય ભાગીદાર અંગે ઘણીયે ‘અંદર’ની વાતો જાણતો હોય છે.






















































