Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા કક્ષાના ૭૭માં પ્રજાસતાક પર્વની ઉજવણી કાલાવડ તાલુકાના નવા એપીએમસી મેદાનમાં કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરના હસ્તે દવજવંદન કરવામાં આવ્યું હતું. દવજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ જિલ્લા કલેક્ટરએ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિમોહન સૈની સાથે ૯ પ્લાટુન પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા ગણમાન્ય રાષ્ટ્રીય નેતાઓના નેતૃત્વમાં આઝાદીની લડતમાં અનેક લોકોના બલિદાનો પછી આપણને મહામૂલી આઝાદી પ્રાપ્ત થઇ છે. આવા સ્વાતંત્ર્યવીરોને આજે આપણે નમન કરીએ. તેમનો ઈતિહાસ અને આદર્શો આવનારી પેઢી માટે સદાય પ્રેરણારૂપ રહેશે.
ડો. બાબાસાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્ણાંત અને વિદ્વાનો દ્વારા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. ઉત્તમ બંધારણના પરિણામે આપણો દેશ સુરાજયના નિર્માણ માટે તેમજ વંચિતો-શોષિતોના વિકાસ માટે અને પીડિતોના ઉત્કર્ષ માટે આગળ વધ્યો છે. આપણા ભારતનું બંધારણ વિશ્વના લોકતાંત્રિક દેશો માટે પણ આદર્શ નમુનારૂપ રહ્યું છે. આપણું રાષ્ટ્ર આ બંધારણ થકી દિનપ્રતિદિન પ્રગતિ કરી રહયું છે.
રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા 5 સાંસ્કૃતિક તેમજ દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સરકારના વિવિધ વિભાગના ટેબ્લો જેમાં વન વિભાગ, પીજીવીસીએલ, ITRA, કૃષિ, આત્મા, બાગાયત અને પશુપાલન વિભાગ, આઇસીડીએસ સેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વનવિભાગ,આરોગ્ય વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર,108ના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
જામનગર જિલ્લાના વિકાસ માટે કલેકટરના હસ્તે રૂ.25 લાખનો ચેક નિવાસી અધિક કલેકટરને અર્પણ કરવામાં આવ્યો હતો. બાદમાં મહાનુભાવોના હસ્તે જામનગર જિલ્લાના વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ 27જેટલા વ્યક્તિઓ-સંસ્થાઓનું, આરોગ્ય કેન્દ્રોની, હોસ્પિટલની સુંદર સેવાઓ તેમજ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ ક્રમે આવેલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિભાગનો ટેબ્લો, દ્વિતીય ક્રમે પીજીવીસીએલ અને તૃતીય ક્રમે આવેલ ખેતીવાડી વિભાગના ટેબ્લો વિજેતા થવા બદલ સમ્માન કરાયુ હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પર્વમાં ધારાસભ્ય રાઘવજી પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા ડો.રવિમોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર શારદા કાથડ, અગ્રણીઓ આર.સી.ફળદુ, કાલાવડ તાલુકા પંચાયતના પ્રમુખ અને સદસ્યો, આગેવાનો, વિવિધ વિભાગના અધિકારીઓ, વિવિધ પ્લાટુનના પ્લાટુન કમાન્ડરઓ, હોમગાર્ડ જવાનઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત હતા.






















































