Mysamachar.in-સુરત અને સુરેન્દ્રનગર
લગ્નસરાની મોસમ ખુલી ગઈ છે, ધોરીમાર્ગો પર અને શહેરોમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં શુભ પ્રસંગો માટેના ખાસ વાહનો દોડી રહ્યા છે, ટ્રેનો પણ ચિક્કાર દોડી રહી છે. દરમ્યાન, 2 અલગઅલગ ધોરીમાર્ગો પર 2 મોટા અકસ્માત સર્જાયાની વિગતો મળી રહી છે, જો કે સદનસીબે આ બેમાંથી એકેય અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે.
આ બે પૈકી એક અકસ્માત ગત્ મોડી રાત્રે સુરત નજીક સર્જાયો અને બીજો અકસ્માત આજે વહેલી સવારે સુરેન્દ્રનગર નજીક સર્જાયો છે. પ્રથમ અકસ્માતમાં 30 લોકો અને બીજા અકસ્માતમાં 24 એમ બંને અકસ્માતોમાં કુલ 54 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. તમામને તાકીદની સારવાર આપવામાં આવી રહી છે.
ગત્ મોડી રાત્રે દક્ષિણ ગુજરાત નજીકના સેલવાસ ખાતેથી આશરે પાંત્રીસેક જેટલાં લોકો લગ્નપ્રસંગ પૂર્ણ કરી પરત વડોદરા તરફ જઈ રહ્યા હતાં ત્યારે, આ બસ ટ્રકની પાછળ ઘૂસી ગઈ. આ અકસ્માત સુરતના કીમ ચાર રસ્તા નજીક સર્જાયો. જેમાં 30 લોકોને નાનીમોટી ઈજાઓ થતાં, તમામને સુરતની સિવિલ હોસ્પિટલમાં તાકીદની સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતમાં એવી આશંકા સેવવામાં આવી રહી છે કે, 35 જેટલાં મુસાફરોને લઈ જઈ રહેલી આ ખાનગી બસના ચાલકે કદાચ કોઈ નશો કર્યો હતો ! જો કે, તે અંગેની તપાસ ચાલી રહી છે. આ અકસ્માત રાત્રે એકાદ વાગ્યા આસપાસ બન્યો હતો. બસચાલકે આગળ જઈ રહેલાં એક ટ્રકમાં બસ ઘુસાડી દેતાં મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. સુરત પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, બસચાલકની પૂછપરછ શરૂ કરી છે, દરમ્યાન સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં લોકો કહે છે કે, અમને વડોદરા શિફ્ટ કરવામાં આવે.
આ પ્રકારનો અન્ય એક અકસ્માત સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા-ચોટીલા ધોરીમાર્ગ પર સર્જાયો. આજે વહેલી સવારે જાનની એક બસ ટ્રક પાછળ ઘૂસી ગઈ જેમાં 24 જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા. બસના ચાલકે ઉભેલાં ટ્રકમાં પાછળથી બસ ટકરાવી દીધી. આ પ્રકારના અકસ્માતો અવારનવાર બની રહ્યા છે, જે ચિંતાઓનો ગંભીર વિષય છે.
જાનૈયાઓની આ બસ સુરતથી નીકળી હતી અને જામકંડોરણાના વિમલનગર ખાતે જઈ રહી હતી. આ અકસ્માતની જાણ થતાં પાંચ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ 24 ઘાયલોને સાયલાની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ અકસ્માતને કારણે સાયલા-ચોટીલા ધોરીમાર્ગ પર ગોસળ ગામના પાટીયા પાસે ટ્રાફિક જામ થયો હતો પરંતુ બાદમાં સ્થાનિક પોલીસે વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ અકસ્માત અંગે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.

























































