Mysamachar.in-અમદાવાદ:
કોઈ પણ વ્યક્તિનું અકસ્માતમાં મોત થાય છે ત્યારે સમગ્ર પરિવાર પર આભ તૂટી પડે છે. અને સાથે જ, દુ:ખદ બાબત એ છે કે, આ મૃતકના પરિવારજનો ફરિયાદ અને અકસ્માત વળતર સહિતની બાબતોમાં અનેક પ્રકારની હાલાકીઓ પણ સહન કરતાં હોય છે, કારણ કે બધાં જ સરકારી-ખાનગી તંત્રોમાં લાલિયાવાડીઓ ચાલતી હોય છે એવો અસંખ્ય પરિવારોને કડવો અનુભવ થતો હોય છે, આ પ્રકારના એક કેસમાં વડી અદાલતે ખૂબ જ વિચારણાને અંતે ભોગ બનનારના પરિવારને મોટો સધિયારો પૂરો પાડ્યો છે.
વડી અદાલતમાં આવેલો આ કેસ સાબરકાંઠા જિલ્લાનો છે. આ જિલ્લામાં ચિત્રોડા નજીક સર્જાયેલા એક અકસ્માતમાં કમલેશ જશુભાઈ પટેલ નામના એક યુવાનનું મોત થયું હતું. સ્થળ પરની હકીકત મુજબ, આ અકસ્માતમાં એક જિપચાલક જ જવાબદાર હતો. છતાં ભોગ બનનાર પરિવારને કાર્યવાહીઓ દરમ્યાન ખાસ સહારો ન મળતાં મામલો છેક વડી અદાલત સુધી પહોંચી ગયો.
વડી અદાલતે આ કેસમાં એ બાબતની ગંભીર નોંધ લીધી કે, અકસ્માત માટેની ટ્રિબ્યુનલે મૃતકની પગાર સ્લીપ અને સુપરવાઈઝરી આવકના પુરાવાઓને અવગણી વળતર નક્કી કરવામાં ભૂલ કરી હતી. ટ્રિબ્યુનલે આ કેસમાં રૂ. 3.56 લાખનું વળતર મંજૂર કર્યું હતું. ટ્રિબ્યુનલને આ અકસ્માતમાં 20 ટકા બેદરકારીઓ મૃતકની લેખાવી હતી.
આ સંબંધે વડી અદાલતે વળતર દાવો કરનારના વકીલની દલીલ ગ્રાહ્ય રાખી. દલીલ એવી હતી કે, વળતરની રકમ નાની કરાવવા વીમા કંપનીએ જાણીજોઈ રેકર્ડ છૂપાવેલું અને વીમા પોલિસી સંબંધિત પુરાવાઓની જવાબદારીઓ મૃતકના આશ્રિત પર નાંખી હતી.
વડી અદાલતે આ કેસમાં સ્પષ્ટતાઓ કરી કે, આ પ્રકારના અકસ્માત મોત વળતર કેસમાં વીમા પોલિસી સંબંધિત તમામ પુરાવાઓ અદાલત સમક્ષ લાવવાની જવાબદારીઓ વીમા કંપનીની છે, ભોગ બનનારના પરિવારની નહીં. આ ઉપરાંત વડી અદાલતે વળતરની રકમમાં પણ દસ ગણાં કરતો વધુ વધારો ગણી, ભોગ બનનારના આશ્રિતને રૂ. 38.18 લાખ ચૂકવવા આદેશ કર્યો. સાથે જ વડી અદાલતે એમ પણ કહ્યું કે, વીમા કંપની યુનાઇટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સે આ વળતર રકમ દોઢ મહિનાની અંદર ટ્રિબ્યુનલમાં જમા કરાવવાની રહેશે.

























































