Mysamachar.in-ગાંધીનગર:
દરેક મહાનગર દિવસે દિવસે વિસ્તરી રહ્યા હોય, શહેરની હદમાં TP જાહેર થયેલાં વિસ્તારોમાં એવી પુષ્કળ ખેતીની જમીનો હોય છે, જે બિનખેતી કરાવવાની પ્રક્રિયાઓ ખૂબ લાંબી અને ઝંઝટ ભરેલી હોય છે. જમીનોને બિનખેતી કરવાની પ્રોસેસમાં, ઘણાં કેસમાં તો બબ્બે વર્ષનો સમય નીકળી જતો હોય છે અને ભ્રષ્ટાચાર વળી અલગ !
રહેણાંક, કોમર્શિયલ, ઔદ્યોગિક અને મિક્સ પ્રોજેક્ટ શરૂ કરવા ચાહતા હજારો બિલ્ડર્સ અને ડેવલપર પરેશાન છે. કલેક્ટર કચેરી અને જિલ્લા વિકાસ અધિકારીની કચેરીઓમાં આ ધંધાર્થીઓએ વારંવાર ધક્કા ખાવા પડતાં હોય છે, અને નૈવેદ્ય ધરાવવાની પ્રોસેસ વળી અલગથી. આથી આ લોબીએ, સૂત્રના કહેવા અનુસાર, ચૂંટણીઓ અગાઉ લાભો અંકે કરી લેવા મામલો રાજ્ય સરકાર સમક્ષ મૂકી દીધો. રાજ્ય સરકારે આ વાત કેન્દ્રની ‘જાણ’માં મૂકી દીધી છે.
જાણવા મળે છે કે, જે મહાનગરોમાં ડ્રાફ્ટ TP કે ફાઈનલ TP તૈયાર થઈ ગઈ હોય, એવા વિસ્તારોમાં ખેતીની જે જમીનો બિનખેતી કરાવવાની ફરજિયાત પ્રક્રિયાઓ છે તે દૂર કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે તૈયારીઓ કરી લીધી, કેન્દ્ર સરકારને જાણ કરી દેવામાં આવી છે.
તાજેતરમાં ભારત સરકારના અધિકારીઓ અને તમામ રાજ્યોના સચિવોની એક બેઠક ગાંધીનગર ખાતે આયોજિત થઈ હતી. જેમાં ગુજરાતના અધિકારીઓએ ભારત સરકારને જાણ કરી છે કે, અમો આ પ્રકારના સુધારાઓ તરફ આગળ વધી રહ્યા છીએ. આ સુધારાઓથી વિલંબ તથા ભ્રષ્ટાચાર દૂર થઈ શકશે. હાલમાં સ્થિતિઓ એવી છે કે, ઘણાં બાંધકામ પ્રોજેક્ટ આવા કારણસર સમયસર શરૂ થઈ શકતા નથી, જેને લીધે બિલ્ડર્સ અને ડેવલપર ધંધાર્થીઓએ ઘણું નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

























































