Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
સૌરાષ્ટ્ર-ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં કાચબાથી માંડીને એમ્બરગ્રીસ(વ્હેલ માછલીની ઉલ્ટી)સુધીની ચીજોની ‘દાણચોરી’ની કથાઓ દાયકાઓ જૂની છે, થોડાથોડા સમયે આવી કથાઓ ‘સમાચાર’ તરીકે ચમકે, બાકીના દિવસોમાં આ બધું દાયકાઓથી ચાલે છે, ગ્રામ્ય વિસ્તારોમાં લાખો લોકો આ બધી હકીકતો જાણે જ છે. આવો વધુ એક કિસ્સો ‘જાહેર’ કરવામાં આવ્યો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં ‘ગાયત્રી કૃપા’ મકાનમાં, ગ્રીન પાર્કમાં રહેતો અને ફ્રીઝનો ધંધો કરતો અર્જુન વિજયભાઈ ભગાણી નામનો શખ્સ એક ડઝન કાચબા સાથે ઝડપાઈ ગયો હોવાનું SOGએ જાહેર કર્યું છે. આ કાચબા લોકબોલીમાં ‘સૂર્ય કાચબા’ તરીકે ઓળખાય છે. અને માનવામાં આવે છે કે આ કાચબાનો ઉપયોગ ચમત્કારિક લાભો મેળવવા અને તાંત્રિક વિધિ માટે થાય છે. પોલીસે એક ડઝન કાચબા કબજે લઈ આખો મામલો વનવિભાગને સોંપી દીધો છે. SOG PI કે.કે.ગોહિલના માર્ગદર્શન મુજબ આ કામગીરીઓ કરવામાં આવી હતી.
આ શખ્સ વિરુદ્ધ વનવિભાગના કાયદાઓ અનુસાર શું કાર્યવાહીઓ કરવી તે અંગેનો નિર્ણય હવે ભાણવડનો વનવિભાગ કરશે. પોલીસે માત્ર સ્ટેશન ડાયરીમાં આ બધી હકીકતો નોંધી, મામલો વનવિભાગને સોંપી દીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઘણાંયે જળચર જિવો અને દરિયાઈ જિવોના ગેરકાયદેસર વેચાણમાં સારાં પ્રમાણમાં નાણું મળતું હોય છે. કહેવાય છે કે, આ પ્રકારના એક કાચબાની કિંમત આશરે રૂ. 5-7 લાખ આંકવામાં આવતી હોય છે, એ રીતે હિસાબ કરો તો, આ એક ડઝન કાચબા રૂ. 60-84 લાખનો ‘માલ’ ગણી શકાય.

























































