Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મીઠાપુરમાં આવેલી ટાટા કંપની પ્રદૂષણ ફેલાવે છે, એવી ફરિયાદો અને રજૂઆતો વર્ષોથી થતી રહે છે. વધુ એક વખત આ મામલાને ‘ગજાવવામાં આવ્યો’ છે. તંત્રો દ્વારા કેટલાંક નમૂનાઓ લેવામાં આવ્યા છે.
ટાટા કંપનીમાંથી કચરાના રૂપમાં નીકળતાં રસાયણો સાદી જમીન, ખેતીની જમીન અને દરિયાના કિનારાના પાણીને પ્રદૂષિત કરી રહ્યા છે. આ પ્રકારની ફરિયાદો અને રજૂઆતો થોડા થોડા સમયે થતી રહી છે. એક અરજદાર તો એમ પણ કહે છે કે, 14-14 વર્ષથી રજૂઆત કરી રહ્યો છું ! તંત્રો દ્વારા ગત્ રોજ આ પ્લાન્ટ નજીકથી નમૂનાઓ લેવાયા છે. જો કે, રજૂઆત કરનારનો મત એવો પણ છે કે, આમાં તો વહીવટેય થઈ જાય, કાંઈ નક્કી નહીં !
દેવરામ વાલા નામના આ અરજદાર કહે છે,નમૂનાઓ લેવામાં આવ્યા ત્યારે આ પ્લાન્ટ બંધ હતો. એક માત્ર હવામાન માપક યંત્ર ચાલુ હતું. બીજી તરફ સ્થાનિક SDM અમોલ આવટે કહે છે: દરિયાના પાણીના નમૂનાઓ લીધાં, જ્યાં કંપની દ્વારા ડીપોઝિશન થયેલું છે ત્યાંથી પણ નમૂનાઓ લીધાં છે. આ સંબંધે અરજદારે એમ પણ કહ્યું કે, અધિકારીઓ દરિયામાંથી નમૂનાઓ લેતાં હતાં તેનું અમે મોબાઈલમાં રેકોર્ડિંગ કર્યુ હતું તે અધિકારીઓએ ડીલીટ કરાવી નાંખ્યુ છે.
SDM કહે છે: તપાસ અને નમૂનાઓ લેવાની આ કામગીરીઓમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી, મામલતદાર કચેરી, વનવિભાગ અને પશુપાલન વિભાગ પણ જોડાયો હતો. નમૂનાઓ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની લેબોરેટરીમાં મોકલવામાં આવશે. દ્વારકાથી તપાસ અહેવાલ જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીને તથા આ બોર્ડ કચેરી દ્વારા ગાંધીનગર કચેરીને મોકલવામાં આવશે, બાદમાં સૂચનાઓ અનુસાર જરૂરી કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે.


