Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિમાં ભગવાન રામચંદ્રનો અયોધ્યામાં ગાદી સંભાળ્યાના દિન તથા પ્રકાશના પર્વ તરીકે ઓળખાતા દિપાવલી તેમજ નૂતન વર્ષ અને ભાઈબીજની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ અને ધાર્મિક રીત રસમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દિપાવલીના દિવસે જગત મંદિરમાં યોજાયેલા હાટડી દર્શન તથા બીજા દિવસે યોજાયેલા અન્નકુટ ઉત્સવ મનોરથનો ભાવિકોએ લાભ લીધો હતો. દિપાવલી પર્વ નિમિતે રાજાધિરાજને અલૌકિક વસ્ત્ર પરિધાન, સુવર્ણ ચાંદી તથા અન્ય ઉચ્ચધાતુઓનાં અલંકારો તથા ઝવેરાતોનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. આ અલૌકિક દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોને થયો હતો.
દિપાવલી પર્વ નિમિત્તે જગતમંદિરને વિશેષ લાઈટીંગ ડેકોરેશન – રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હોય રાત્રિના સમયે જગતમંદિરની ત્રિજયામાં દસ દસ કિમી સુધી દૂરથી ઝળહળતાં જગતમંદિરનો નઝારો જોવા મળ્યો હતો. જગત મંદિરમાં આવેલા નાના-મોટા અન્ય મંદિરોમાં પણ વિશેષ શૃંગારને લીધે ભગવાનના દિવ્ય શૃંગારની અલગ અલગ ઝાંખી ભાવિકોને મળી હતી.
– ભાઈબીજના યમુનાજીએ ભાઈ યમરાજાને ભોજન માટે દ્વારકા આમંત્ર્યા –
લોકવાયકા અનુસાર ભાઈબીજના દિને દ્વારકાધીશના અષ્ટપટ્ટરાણી પૈકીના એક યમુનાજીએ તેમના ભાઈ યમરાજને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. બહેનનું આમંત્રણ સ્વિકારી, ભાઈબીજના દિવસે યમરાજે સોનાની દ્વારકામાં પધારી યમુનાજીના હાથે ભોજન કરી આશીર્વાદ પાઠવેલ કે આજના દિને કોઈપણ વ્યક્તિ ગોમતીજીમાં સ્નાન કરી દિપદાન કરશે તેમને યમરાજ કયારેય નડતરરૂપ થશે નહિં. ત્યારથી જ દ્વારકા શહેર તથા આસપાસના વિસ્તારની ગૃહીણીઓ દ્વારા ભાઈબીજની સંધ્યાએ ગોમતી નદીમાં દિપ તરાવવામાં આવે છે. દ્વારકાધીશ રાજાધિરાજને યમુનાજી સ્વરૂપ શૃંગાર કરવામાં આવ્યા હતા. દ્વારકાધીશને આ દિવસે સાંજે યમુનાજી સ્વરૂપનો વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો હતો.
– ભાઈબીજના દિવસે પવિત્ર ગોમતી સ્નાન કરી, પુણ્યનું ભાથું બાંધ્યું –
ભાઈબીજના પવિત્ર દિવસે દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનું અનેરૂં મહત્ત્વ હોય, હજારો ભાવિકો એ આ પાવન દિવસે પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. તેમજ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
– ગોમતીજીની વિશેષ આરતી, દીપદાન તથા ચુંદડી મનોરથ –
ભાઈબીજના દિવસે ગોમતી નદીમાં સ્નાનનું સવિશેષ મહત્વ હોવાથી હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી, પુણ્યનું ભાથું બાંધ્યું હતું. સાંજે ગોમતી માતાની મહાઆરતી પણ કરવામાં આવી હતી. તેમજ ચુંદડી મનોરથ પણ યોજવામાં આવ્યો હતો. ભાઈબીજના દિવસે જ સાંજે પરંપરાગત રીતે સ્થાનીય મહિલાઓ કુમારીકાઓ દ્વારા પવિત્ર ગોમતી નદીમાં દિવડાઓની હારમાળા તરતી મૂકવામાં આવી હતી. રાત્રિના સમયે સેંકડો દિવડા ઓના પ્રકાશમાં ગોમતી નદી તથા ઝળહળતાં દ્વારકાધીશ મંદિરનો દિવ્ય નજારો ભાવિકોને મળ્યો હતો.
– દ્વારકા, બેટ દ્વારકામાં દિવાળીના તહેવારોમાં ઉમટયો માનવ મહેરામણ –
શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિ દ્વારકામાં હાલમાં ચાલી રહેલાં દિવાળીના મીની વેકેશનમાં દિવાળી સુધીના શરૂઆતના દિવસોમાં યાત્રાળુઓના પ્રવાહમાં મંદી જોવાયા બાદ નવવર્ષથી શરૂ થયેલ ગુજરાતભરના ટુરીસ્ટને લીધે સમગ્ર દ્વારકાનગરીમાં આવેલાં હોટલ, ધર્મશાળા, ગેસ્ટ હાઉસ અને ભવનો હાઉસફુલ જોવા મળ્યા હતા. આગામી પખવાડિયા સુધી હજુ પણ વેકેશનનો સમયગાળો હોય યાત્રાળુઓ તથા ટુરીસ્ટનો અવિરત પ્રવાહ દ્વારકા તરફ રહેશે તેવું જણાઈ રહયું છે. દિપાવલી તહેવારો તેમજ નવાવર્ષના શ્રીજીના વિશેષ શૃંગાર તેમજ ભાઈબીજના દિવસે ગોમતી સ્નાન કરવા હજારો ભાવિકો ઉમટી પડયા હતા.
તહેવારોની ઉજવણી તેમજ વેકેશનનો સદુપયોગ કરવા સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત અને બહારના યાત્રીકો મોટી સંખ્યામાં હાલમાં દ્વારકામાં જોવા મળી રહ્યા હોય, જગતમંદિર સંલગ્ન મંદિર ચોક, પૂર્વ દરવાજા નીલકંઠ ચોક જેવા વિસ્તારો તેમજ ગોમતી ઘાટ, સુદામા સેતુ, રીલાયન્સ માર્ગ, જોધા માણેક રોડ, તીનબતી ચોક, ભદ્રકાલી ચોક, જવાહર રોડ જેવા ભરચક્ક વિસ્તારોમાં સવિશેષ ભીડભાડ જોવા મળી રહી છે. પીક અવર્સ દરમ્યાન ટ્રાફીકની પણ સમસ્યા જોવા મળતી હોય અને શહેરભરમાં ઠેરઠેર વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે ટ્રાફીક વિભાગ દ્વારા ઠેરઠેર બેરીકેટસ લગાવી ટ્રાફીક નિયમન કરાઈ રહયુ છે. યાત્રાધામમાં આવેલા તમામ રેસ્ટોરાં તથા હોટલો, ઘાબાઓ વિગેરેમાં પણ યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આગામી સપ્તાહ સુધી યાત્રાધામમાં વેકેશનને લીધે ભીડભાડ જોવા મળે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે.
– પોલીસ દ્વારા સધન સુરક્ષા વ્યવસ્થા – બંદોબસ્ત –
યાત્રાધામ દ્વારકામાં દીપોત્સવી પર્વને અનુલક્ષીને અહીં આવતા લાખોની સંખ્યામાં યાત્રાળુઓની સેવા, સુરક્ષા માટે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તથા ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ દ્વારા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવ્યા હતા. સાથે સાથે મંદિર વ્યવસ્થા માટે વહીવટદાર હિમાંશુ ચૌહાણ અને અન્ય અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા પણ જહેમત ઉઠાવવામાં આવી હતી. તસ્વીર અને અહેવાલ:કુંજન રાડિયા



